Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

આઇપીએલ પહેલા જ 6 ટીમોને મોટો ફટકો: 8 ખેલાડીઓ નહિ રમે પોતાની ટીમનો પહેલો મેચ

નેધરલેન્ડ્સ અને સાઉથ આફ્રિકાની વચ્ચે થનારી સિરિઝના લીધે ફ્રેન્ચાઈઝીઓ સ્ટાર ખેલાડીઓ ગુમાવશે

મુંબઈ:ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની શરુઆત થવાની જ છે, પરંતુ શરુ થતા પહેલા 6 ટીમોને મોટો ઝટકો લાગવાનો છે. જી, હાં 6 ટીમોમાં કુલ 8 ખેલાડી પહેલી મેચમાંથી જ બહાર થઇ ગયા છે. આ ખેલાડી સાઉથ આફ્રિકાના છે જે પોતાની ટીમ માટે નેધરલેન્ડ વિરુદ્ધ વન ડે સિરિઝમાં રમશે અને આ કારણે તે આઇપીએલની પહેલી મેચથી બહાર જ રહેશે. ત્યાર બાદ સાઉથ આફ્રિકાના ખેલાડીઓ પોત-પોતાની ફ્રેંચાઇઝીઓમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે નેધરલેન્ડ્સ અને સાઉથ આફ્રિકાની વચ્ચે થનારી સિરિઝમાંથી આઇપીએલ ટીમોને નુક્શાન પહોંચશે અને સ્ટાર ખેલાડીઓ આઇપીએલની પહેલી મેચ નહીં રમી શકે.

ડેવિડ મિલર- ગુજરાત ટાઇટંસના આ ખેલાડી પોતાની પહેલી મેચ નહીં રમી શકે. આઇપીએલમાં ગુજરાતની ટીમ ચેન્નઇ પહેલા મેચ રમશે અને મિલર આ મેચમાં હાજર નહીં રહે. છેલ્લી સિઝનમાં મિલરે પોતાના શાનદાર પ્રદર્શન દ્વારા ગુજરાતને ચેમ્પિયન બનાવવામાં યોગદાન આપ્યુ હતું. 

 

ક્વિન્ટન ડિકોકઃ આ લિસ્ટમાં બીજું મોટું નામ ક્વિન્ટન ડિકોકનું છે, જે લખનૌ સુપરજાયન્ટ્સનો મહત્ત્વના ખેલાડી છે. વિકેટકીપિંગ સિવાય ડિકોક ઓપનિંગ પણ કરે છે. એવું માનવામાં આવે છે કે પહેલી મેચમાં તેના ન રમવાના કારણે લખનૌની ટીમ હવે કાઇલ મેયર્સ સાથે ઓપનિંગ કરી શકે છે.

 

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને સાઉથ આફ્રિકામાં વનડે સિરીઝમાં સૌથી વધુ નુકસાન પહોંચ્યુ છે. સનરાઇઝર્સના કેપ્ટન એડન માર્કરમ જ પહેલી મેચ રમી શકશે નહીં. માર્કો યાનસન અને હેનરિક ક્લાસેન પણ સનરાઇઝર્સ હૈદરાબાદના સભ્યો છે અને તેઓ પણ નેધરલેન્ડ સામેની વનડે સિરીઝ રમશે.

 

દિલ્હી કેપિટલ્સના એનરિક નોરખિયા, પંજાબ કિંગ્સના કાગિસો રબાડા અને ચેન્નાઈ સુપર કિંગ્સના સિસાંદા મગાલાને પણ પહેલી મેચ નહીં રમી શકે. હવે જોવાનું એ રહે છે કે આ ખેલાડીઓની ગેરહાજરી ટીમોને કેટલી અસર કરશે.

(8:48 pm IST)