Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

કેનેડામાં ખાલિસ્તાનીઓએ ગાંધીજીની પ્રતિમામાં તોડફોડ કરી:ભારતીયો દ્વારા વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીઃકેનેડામાં ખાલિસ્તાની સમર્થકોનો ઉપદ્રવ વધી રહ્યો છે. હિંદુ મંદિરો પર હુમલાની ઘટનાઓ અને ભારતીય દૂતાવાસોની બહાર વાંધાજનક સૂત્રો લખવામાં આવ્યા બાદ અહીં મહાત્મા ગાંધીની પ્રતિમાઓને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. હવે બર્નાબીમાં યુનિવર્સિટીની અંદર સ્થિત ગાંધીજીની પ્રતિમાને તોડવામાં આવી છે.

 

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના હેમિલ્ટન શહેરમાં સિટી હોલ પાસે સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને ખાલિસ્તાની સમર્થકોએ 23 માર્ચે નુકસાન પહોંચાડ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બદમાશોએ પ્રતિમાને સ્પ્રે-પેન્ટિંગ કરીને તોડફોડ કરી હતી. ઘટના બાદ હેમિલ્ટન પોલીસે કહ્યું કે, તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે, જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

 

કેનેડા વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે, તે ઉત્તર અમેરિકા ખંડમાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારતીય પ્રતિષ્ઠાન અને મંદિરો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. 2023ની શરૂઆતથી સમગ્ર કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવાની ઘટનાઓ શરૂ થઈ છે, જેમાં મંદિરની મૂર્તિઓને નુકસાનથી લઈને વાંધાજનક ગ્રેફિટી, ઘરફોડ ચોરી અને લગભગ અડધો ડઝન ઘટનાઓમાં તોડફોડનો સમાવેશ થાય છે.

 

ગયા વર્ષે જુલાઈમાં, ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં રિચમંડ હિલના વિષ્ણુ મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડવામાં આવી હતી. જે બાદ ભારતીય સમુદાયે પ્રદર્શન કર્યું હતું. ભૂતકાળમાં, ભારતીય સમુદાયના લોકોએ ખાલિસ્તાની સમર્થકોના તોફાન વિરુદ્ધ ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ કેનેડાની સરકારે કહ્યું હતું કે, તેઓ ભારત વિરોધી ગતિવિધિઓ પર અંકુશ લગાવશે.

 

અસામાજીક તત્વોએ કેનેડામાં રામ મંદિરની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તોફાની તત્વોએ મંદિરની બહાર વડાપ્રધાન મોદી અને હિન્દુસ્તાન વિરૂદ્ધ પણ નારા લખવામાં આવ્યા હતા. આ મામલો સામે આવ્યા બાદ ભારતે આવા સૂત્રો લખનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ કેસ કેનેડાના મિસીસૌગા વિસ્તારનો છે.

(7:44 pm IST)