Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

કેદારનાથ ધામ માટે શનિવારથી હેલિકોપ્ટર સેવાનું બુકિંગ કરી શકાશે

નવી દિલ્હી:કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે ખુલશે.આને ધ્યાનમાં રાખીને, IRCTC ટૂંક સમયમાં મંદિર માટે હેલિકોપ્ટર સેવાનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરશે. તીર્થયાત્રીઓ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકે છે.આ માટે ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન વગર કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ થઈ શકશે નહી.

 

મહત્વનું છે કે ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 6 લાખ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. યાત્રા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી.ત્યારે કેદારનાથ યાત્રા માટે સૌથી વધુ 5.97 લાખ રજીસ્ટ્રેશન થયા છે.આ યાત્રા કરવા માંગતા યાત્રીઓ માટે IRCTC ટૂંક સમયમાં વિશેષ સુવિધા લાવી રહ્યું છે. IRCTC હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ ધામના દર્શન કરાવશે, જેના માટે ભક્તોએ ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે. કેદારનાથધામ માટે હેલિકોપ્ટર સેવાનું ઓનલાઈન બુકિંગ IRCTC વેબસાઈટ પરથી કરવાનું રહેશે. આ હેલિકોપ્ટરનું બુકિંગ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા વગર નહીં થાય જે ભક્તોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ જ કેદારનાથ માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુક કરી શકશે.

 

કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ 1 એપ્રિલ 2023થી શરૂ થશે. અને પ્રવાસન માટે રજીસ્ટ્રશન પણ ચાલું છે. ત્યારે આ યાત્રા 25 એપ્રિલથી શરૂ થશે. જેમાં 200 ટિકિટનો ઈમરજન્સી ક્વોટા હશે, પરંતુ તેના માટે પણ રજીસ્ટ્રેશન કરાવવું તો ફરજિયાત જ રહેશે.એક ID પરથી એક સમયે વધુમાં વધુ 6 ટિકિટ બુક કરી શકાય છે. જ્યારે ગ્રુપ ટ્રાવેલ માટે એક ID પર વધુમાં વધુ 12 ટિકિટ બુક કરી શકાય છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે શ્રદ્ધાળુઓ માટે હેલીપેડની વ્યવસ્થા પણ એરપોર્ટ જેવી જ હશે.

 

વર્ષ 2023 માટે હેલિકોપ્ટર સેવાની મુસાફરી IRCTC હેલીયાત્રાની વેબસાઇટ હેઠળ બુક કરી શકાય છે.જો કે હેલિકોપ્ટર સેવા માટે બુકિંગ કરાવતા પહેલા ઉત્તરાખંડ ટુરીઝમ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તમે મોબાઇલ એપ્લિકેશન અથવા વેબસાઇટ દ્વારા નોંધણી કરાવી શકો છો. આ ઉપરાંત, તે WhatsApp સુવિધા દ્વારા અથવા 8394833833 પર SMS મોકલીને કરી શકાય છે.

(6:36 pm IST)