Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

આ બહેને ૯૬૦મી ટ્રાયલ પછી ડ્રાઇવિંગ ટેસ્‍ટ પાસ કરી

કુલ ૭૮૦ વાર પ્રયાસ કર્યા બાદ તેણે પાસ ન થઈ ત્યાં સુધી અઠવાડિયામાં બે વાર લેખિત પરીક્ષા આપી હતી

સીઉલ, તા.૨૮: સાઉથ કોરિયાની આ મહિલાએ ૯૬૦મી વખત ટેસ્‍ટ આપ્‍યા બાદ ડ્રાઇવિંગ ટેસ્‍ટ પાસ કરી હતી. આટલી બધી વખત ટેસ્‍ટ આપ્‍યા બાદ ડ્રાઇવિંગ લાઇસન્‍સ મેળવવામાં તેને ૧૧,૦૦૦ પાઉન્‍ડ (લગભગ ૧૧ લાખ રૂપિયા) જેટલો ખર્ચ થયો હતો.

ચા સા સૂન નામની ૬૯ વર્ષની મહિલાએ એપ્રિલ ૨૦૦૫માં પહેલી વાર ડ્રાઇવિંગ માટેની લેખિત પરીક્ષા આપી, જેમાં ફેલ થયા બાદ તેણે સતત ત્રણ વર્ષ સુધી રોજેરોજ એટલે કે અઠવાડિયામાં પાંચ દિવસ પરીક્ષા આપી હતી. કુલ ૭૮૦ વાર પ્રયાસ કર્યા બાદ તેણે પાસ ન થઈ ત્‍યાં સુધી અઠવાડિયામાં બે વાર લેખિત પરીક્ષા આપી હતી. લેખિત પરીક્ષા પાર કર્યા પછી વારો આવ્‍યો પ્રેક્‍ટિકલ ટેસ્‍ટનો. કુલ ૧૦ વાર પ્રેક્‍ટિકલ ટેસ્‍ટ આપ્‍યા બાદ અને લગભગ ૯૬૦ પરીક્ષા આપ્‍યા પછી તેના હાથમાં ડ્રાઇવિંગ લાઇસન્‍સ આવ્‍યું હતું. સામાન્‍ય રીતે લોકો આટલી બધી વાર પરીક્ષા આપતા નથી, પરંતુ તેને પોતાના શાકભાજીના બિઝનેસ માટે લાઇસન્‍સ મળવું જરૂરી હતું. નેટિઝન્‍સે તેની ધીરજ અને ધગશની પ્રશંસા કરી હતી. જોકે ચા સા સૂનને ડ્રાઇવિંગ લાઇસન્‍સ મળતાં સૌથી વધુ રાહત તેના ડ્રાઇવિંગ ઇન્‍સ્‍ટ્રક્‍ટરને થઈ હતી.

(3:53 pm IST)