Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

મોંઘવારીના મારથી ઉકળી ઉઠયુ જર્મનીઃ હડતાળથી રેલ- હવાઈ મુસાફરી ઠપ

સામૂહિક હડતાળને કારણે સામાન્‍ય જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત કર્મચારીઓએ વેતન વધારાની માંગણી કરી

નવી દિલ્‍હી, તા.૨૮: વધતી જતી મોંઘવારીનો માર વેઠી રહેલા પશ્‍ચિમી દેશ જર્મનીના કર્મચારીઓએ વેતન વધારાની માંગણી માટે ૨૪ કલાકની સામૂહિક હડતાલનું એલાન કર્યું છે. સોમવારના રોજ હડતાળને કારણે જર્મનીમાં રેલ સેવા, હવાઈ સેવા અને અન્‍ય પેસેન્‍જર સેવાઓ ઠપ થઈ ગઈ હતી.

લગભગ ૩૦,૦૦૦ કામદારોની હડતાળને કારણે એરપોર્ટ, લાંબા અંતરની રેલ મુસાફરી, ટ્રામ સર્વિસ, મેટ્રો, બસો અને બંદરોને સૌથી વધુ અસર થઈ હતી. ત્‍યાં બધું ઠપ થઈ ગયું હતું અને લોકોને તેમના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી હતી. ટ્રેડ યુનિયન વેર્ડી અને EVG દ્વારા બોલાવવામાં આવેલી સામૂહિક હડતાળને કારણે સામાન્‍ય જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત થઈ ગયું હતું.

જર્મનીના ૧૬ રાજ્‍યોમાં એક જેવો નજારો છે. શાળા, કોલેજ અથવા દુકાન કે ઓફિસ જવા માટે લોકોને કાં તો સાયકલ, સ્‍કૂટર, કાર અથવા ટેક્‍સીનો સહારો લેવો પડે છે અથવા રસ્‍તા પર ટેક્‍સી માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડે છે.

મળતી માહીતી અનુસાર મજૂર યુનિયન વેર્ડીના બોસ ફ્રેન્‍ક વર્નેકે સરકારી મીડિયાને જણાવ્‍યું હતું કે, સામાન્‍ય જનતાને અસર ન કરે તે મજૂર સંઘર્ષ નકામું છે. તેમણે સ્‍વીકાર્યું હતું કે હડતાલના કારણે ઘણા દૈનિક મુસાફરો અને રજાઓ માણનારાઓને મુશ્‍કેલી થશે પરંતુ એક દિવસની મુશ્‍કેલી કામદારો દ્વારા સામનો કરવામાં આવતી દૈનિક મુશ્‍કેલી કરતાં વધુ સારી છે કારણ કે તેનાથી વેતન વધારાની વાટાઘાટ થવાની સંભાવના છે.

વેર્ડી આશરે ૨૫ લાખ કર્મચારીઓ અને EVG ૨.૩ લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્‍વ કરે છે. વેર્ડી માસિક પગારમાં ૧૦.૫ ટકાના વધારાની માંગ કરી રહી છે જ્‍યારે EVG ૧૨ ટકા વધારાની માંગ કરી રહી છે.

(3:48 pm IST)