Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

‘શબ્‍દો રાહુલ ગાંધીના અને સંસ્‍કાર સોનીયા ગાંધીના છે'

સ્‍મૃતિ ઇરાનીનો યુથ કોંગ્રેસ પર વળતો હૂમલો

નવી દિલ્‍હી તા. ર૮ :.. ભાજપા નેતાઓ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધી પર સતત હુમલાઓ કરી રહ્યા છે. કેન્‍દ્રીય પ્રધાન સ્‍મૃતિ ઇરાનીએ આજે સવારે એક પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને રાહુલ ગાંધી પર નિશાન તાકયું છે. સ્‍મૃતિએ કહયું કે કોંગ્રેસને ઓબીસી સમાજ સાથે કંઇ લેવા દેવાનું નથી. તેનું લક્ષ્ય ફકત મોદી છે અને મોદીનું લક્ષ્ય દેશનો વિકાસ છે.

સ્‍મૃતિએ કહયું, ‘રાહુલ ગાંધીએ એક ઇન્‍ટરવ્‍યુમાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદીની તાકાત તેમની છબી છે. રાહુલ ગાંધીએ ૪ મે ર૦૧૯ માં એક મેગેઝીન ઇન્‍ટરવ્‍યુમાં પણ લીધું કે હું વડાપ્રધાન મોદીની છબી ત્‍યાં સુધી પ્રહાર કરતો રહીશ જયાં સુધી હું તે છબીને નષ્‍ટ નહીં કરૂં.'.

સ્‍મૃતિએ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીનું અપમાન કરવાના પ્રયાસમાં આખા ઓબીસી સમાજનું પણ અપમાન કર્યું. આ પહેલીવાર નથી બન્‍યું જયારે ગાંધી પરિવારે દલિત અથવા પછાત સમાજનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હોય. જયારે આદિવાસી સમાજની મહિલા રાષ્‍ટ્રપતિ બન્‍યા ત્‍યારે પણ ગાંધી પરિવારના ઇશારે એક કોંગ્રેસી સભ્‍યએ દ્રૌપદી મુર્મૂનું અપમાન કર્યુ હતું.

તેમણે કહયું કે પોતાની રાજકીય બૌખલાહટમાં રાહુલ ગાંધીનો મોદીજી પ્રત્‍યેનો દ્વેષ દેશના અપમાનમાં ફેરવાઇ ગયો છે. તેમણે મોદીજીનું અપમાન કરતા કરતા આખા ઓબીસી સમાજનું અપમાન કરવાનું પણ યોગ્‍ય માન્‍યું. મોદીજીની ઇમેજ બગાડવા તેમણે વિદેશમાં ખોટુ બોલ્‍યું, દેશમાં ખોટું બોલ્‍યું અને સંસદમાં પણ ખોટું બોલ્‍યા. આ એ માણસ છે જે સુપ્રીમમાં નાકલીટી તાણીને માફી માંગે છે. અને આજે ડરપોકના હોવાનો ઢોંગ કરે છે.

સ્‍મૃતિ ઇરાનીએ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ શ્રી નિવાસની ટીપ્‍પણી બાબતે રાહુલ અને સોનિયા ગાંધી પર નિશાન તાકયું હતું. શ્રી નિવાસે  કહયું હતું, ‘સ્‍મૃતિ ઇરાની મુંગી - બહેરી બની ગઇ છે. તેણે મોંઘવારીની ડાકણને પોતાના બેડ રૂમમાં બેસાડવા માટે ડાર્લીંગ બનાવવાનું કામ કર્યુ છે.' આના જવાબમાં સ્‍મૃતિએ કહ્યું, ‘શબ્‍દ રાહુલ ગાંધીના, સંસ્‍કાર સોનિયા ગાંધીના છે. ફકત જીભ યુથ કોંગ્રેસની છે.' સંસદનું સભ્‍યપદ રદ થયા પછી રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાની નોટીસ મોકલાઇ છે. આના પર સ્‍મૃતિએ કહયું કે આ ઘર રાહુલ ગાંધીનું નથી. પ્રજાનું છે.

(3:40 pm IST)