Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

૨૨ માર્ચ ભારતના ધર્મ જગતનો કાળો દિવસ

શું ભારતના કોઇ દેવી-દેવતા કે ગુરૂના મંદિરમાં શાંતિપુર્વક પ્રવેશ કરી રહેલા તેમના ભકતોને ટ્રસ્‍ટીઓ પોલીસને હથીયાર બનાવી માર મરાવી શકે છે? શું કોઇ ભકત પોતાના ગુરૂ કે ઇષ્‍ટદેવને પુજવાનો અધિકાર ભારતમાં ગુમાવી ચુકયો છે ? : પુનેના ઓશો આશ્રમના જો હુકમી ટ્રસ્‍ટીઓ દ્વારા રરમી માર્ચે નિર્દોષ અનુયાયીઓને દંડા મારી ધકેલી દેવાયા, સર્વ સંભાવના અને સૌનો સાથ સૌનો વિકાસમાં માનવાવાળી ધર્મપ્રેમી સરકાર શું ઓશોના અનુયાયીઓ માટે નથી ?

પુના, તા., ૨૮: પુના સ્‍થિત ઓશો આશ્રમ ઓશો દર્શન અને દ્રષ્‍ટિકોણ માટે ધ્‍યાન અને ભકિતનું હેડ કવાર્ટર છે. અહિંયા રર મી માર્ચે ઓશો અનુયાયીઓ સાથે જો હુકમી ટ્રસ્‍ટીઓ દ્વારા પોલીસને હાથો બનાવી જે બર્બરતા આચરવામાં આવી તે ભારતના ધર્મજગતના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે  પ્રસ્‍તાપીત થઇ ગઇ છે.

પહેલા આ આશ્રમનું નામ શ્રી રજનીશ આશ્રમ હતું. બાદમાં આશ્રમનું નામ ભગવાન શ્રી રજનીશ મંદિર રાખવામાં આવ્‍યું. આ મંદિરમાં ધ્‍યાન અને પ્રેમ (ભકિત)ના માર્ગ  ઉપર સદગુરૂ ઓશો વર્ષો સુધી પ્રવચન કરતા રહયા. તેમના પ્રવચન આપવાના સ્‍થાનને બુધ્‍ધા હોલ કહેવાતો હતો. ૧૯ જાન્‍યુઆરી ૧૯૯૦માં તેમના શરીર ત્‍યાગ સુધી અને તેના કેટલાય વર્ષો સુધી આ બધી ઓળખ યથાવત હતી.

ઓશોએ એક આધ્‍યાત્‍મીક કમ્‍યુનના દર્શન રજુ કર્યા અને જયારે તેમના આખરી દિવસોમાં તેમનું નામ ઓશો રાખવામાં આવ્‍યું ત્‍યારે ભગવાન શ્રી રજનીશ મંદિરનું નામ બદલાવીને ઓશો કમ્‍પ્‍યુન ઇન્‍ટરનેશનલ રાખવામાં આવ્‍યું હતું. જો કે આમ લોકો અને મોટા ભાગે ઓશો સંન્‍યાસી તેને ઓશો આશ્રમ તરીકે જ આજે પણ ઓળખે છે.

ઓશોએ સનાતમ ધર્મના વિવિધ દર્શનોની સાથે સાથે વિદેશમાં પેદા થયેલા ધર્મોની પણ માર્મીક વ્‍યાખ્‍યા કરી છે. તેમણે મંદિર, પીરામીડ, ત્રીજુ નેત્ર, તીર્થ સ્‍થાન, કુંડલીની, ગુરૂઓની સમાધી વગેરેના રહસ્‍યોને પણ

ખુબ ઉંડાઇ પુર્વક સમજાવ્‍યા છે. ઉપનીષદ, ગીતા, શિવ સુત્ર, તંત્ર સુત્ર, પતંજલી યોગ, સુત્ર ઉપરાંત જ્ઞાન, ભકિત, કર્મયોગ ઉપર તેમણે સરળ વ્‍યાખ્‍યાઓ આપી છે. ઓશોએ પોતાના શિષ્‍યો બનાવ્‍યા અને તેમને સંન્‍યાસ માળા અને સંન્‍યાસ વષા આપ્‍યા. શરીર છોડયા પહેલા ઓશોએ પોતાની સમાધી બનાવડાવી અને પાંચ શિષ્‍યોની સમાધી પણ બનાવડાવીને ગયા. આ બધા સંદર્ભોમાં ઓશો સ્‍થાપીત સદગુરૂ છે અને તેમનો આશ્રમ આસ્‍થાના પરીઘમાં આવે છે.

પરંતુ ઓશોના જવાની સાથે જ આ આશ્રમના લાલચી ટ્રસ્‍ટીઓએ ઓશોના વિચારોના એકતરફી અને પક્ષપાતી અર્થ કાઢી આ જગ્‍યાનું નામ બદલાવી નાખ્‍યું અને તેને એક વ્‍યાવસાયીક રીસોર્ટની રીતે બજારમાં મુકવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન ટ્રસ્‍ટીઓએ ટ્રસ્‍ટના કેટલાક ખાસ રાઇટસ વિદેશી કંપનીઓને કે વિદેશી ટ્રસ્‍ટોને ટ્રાન્‍સફર કરી દીધા કે જે ગેરકાયદે કૃત્‍ય હતું.

આશ્રમના રીડેવલોપમેન્‍ટ ઉપર ટ્રસ્‍ટીઓ ભારે ખર્ચો કરે છે એવુ બતાવીને આ આશ્રમને રીસોર્ટ બતાવી આ લોકો ઓશો પ્રેમીઓ પાસેથી દૈનિક પ્રવેશ ફી રૂપે પણ ભારે ચાર્જ વસુલી રહયા છે.

રર માર્ચ ર૦ર૩ના આ આશ્રમમાં ઓશોના બુધ્‍ધા હોલમાં જેને ટ્રસ્‍ટીઓએ હવે લગભગ ખતમ કરી નાખ્‍યો છે ત્‍યાં ઓશોના ભકતોની સામે જ એક સુશિક્ષિત યુવાન જે ઓશોના પ્રેમમાં આશ્રમ જોવા આવ્‍યો હતો તેને ટ્રસ્‍ટીઓએ પોલીસ પાસે બેરહમીથી માર મરાડાવ્‍યો અને ઉલ્‍ટા ચોર કોટવાલને ડાટેની કહેવત મુજબ તેના ઉપર ખોટી કલમો હેઠળ ગુન્‍હો નોંધવામાં આવ્‍યો. આવી બર્બરતા આચરી ટ્રસ્‍ટીઓ બીક પેદા કરી રહયા છે જેનાથી ઓશો પ્રેમીઓ અને અનુયાયીઓ આશ્રમે આવતા બંધ થાય અને પાછળથી લાલચી ટ્રસ્‍ટીઓ આશ્રમની જમીનો વેચી નાખવાની તેમની યોજનામાં સફળ થઇ શકે. ઉલ્લેખનીય છે કે, જે યુવાનને પીટવામાં આવ્‍યો તે આશ્રમમાં ત્‍યારે આવ્‍યો જયારે ભ્રષ્‍ટ ટ્રસ્‍ટીઓ વિરૂધ્‍ધ ભારતભરમાંથી આવેલા ઓશો સંન્‍યાસીઓ પ્રદર્શન કરી રહયા હતા. ઓશોના મંદિર સમાન જુના વખતના બુધ્‍ધા હોલને હિંસાના રંગે રંગવાળી પોલીસ જુતા પહેરીને આ હોલમાં પ્રવેશ કરતી રહી અને મહાન સદગુરૂના આત્‍માને ઠેસ પહોંચાડતી રહી. પોલીસ આશ્રમના ગેઇટ બહાર ર૦૦ થી વધુ સંખ્‍યામાં ઉપસ્‍થિત અનુયાયીઓ અને ટ્રસ્‍ટીઓનો વિરોધ કરી રહેલા મહિલાઓ, બુઝુર્ગો અને યુવાન ઓશો સંન્‍યાસીઓને પણ લાઠીઓથી પીટવાની યોજના બનાવી ચુકી હતી. પરંતુ સમય પારખી ગયેલા મોટી સંખ્‍યાનાં સંન્‍યાસીઓ પોલીસ સ્‍ટેશને પહોંચી ગયા હતા અને બીજી દુર્ઘટના બનતી અટકાવી હતી. આમ છતા પોલીસે ટ્રસ્‍ટીઓનો વિરોધ કરી રહેલા નિર્દોષ સંન્‍યાસીઓ ઉપર ઘણી બધી ભારી કલમો લગાવી કેસ ઠોકી બેસાડયો હતો.

 તંત્ર, પોલીસ અને અદાલત આ યુવાન છોકરાને અને ઓશો સંન્‍યાસીઓને કેવી રીતે ન્‍યાય આપે છે તેના ઉપર સૌની નજર છે.

(1:04 pm IST)