Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

માખણ લગાડનારને નહીં, કામ કરનારને વોટ આપો, નહીંતર કાઢી મૂકો

નીતિન ગડકરીએ લોકસભાની ચૂંટણી પહેલા મોટું નિવેદન આપ્‍યું

નાગપુર તા. ૨૮ : લોકસભા ચૂંટણી અગાઉ ભાજપ અત્‍યારથી જ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઇ ગયું છે. ચૂંટણીના પડગમ ધીમે ધીમે વાગી રહ્યા છે ત્‍યારે ભાજપ નેતા અને કેન્‍દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભાની ચૂંટણી પહેલા મોટું નિવેદન આપ્‍યું છે. તેઓ જણાવ્‍યું કે જો લોકોને કામ પસંદ આવ્‍યું હોય તો મત આપજો. ગડકરીએ સોમવારે નાગપુર ખાતે ડો.મોહન ધારિયા નેશન બિલ્‍ડીંગ એવોર્ડ સમારોહમાં હાજરી આપી આ દરમિયાન તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું હતું કે હું મત માટે માખણ લગાવવા નથી આવ્‍યો ‘દેશમાં ચાલતા બાયો ફયુઅલ અને વોટરશેડ કન્‍ઝર્વેશન સહિત અનેક પ્રયોગો કરી રહ્યો છું.જે ગમે અને કામ શરૂ લાગે તો બરોબર બાકી મને મત આપશો નહીં. હું લોકપ્રિય રાજકારણ માટે બહુ માખણ લગાવવા તૈયાર નથી. માખણ લગાડનારને નહીં, કામ કરનારને વોટ આપો, નહીંતર કાઢી મૂકો', તેવું પણ નીતિન ગડકરીએ અંતમાં ઉમેર્યું હતું.

તેમજ વધુમાં કહ્યું કે જળ સંરક્ષણ, આબોહવા પરિવર્તન અને બંજર જમીનનો ન્‍યાયપૂર્ણ ઉપયોગ જેવા ક્ષેત્રોમાં પ્રયોગો માટે ઘણો અવકાશ છે. અમે આના પર કામ કરી રહ્યા છીએ. ભવિષ્‍યમાં  આ ક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે. કારણ કે તે માત્ર ભારતની અર્થવ્‍યવસ્‍થા જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્‍તારોનો નકશો પણ બદલી શકે છે. દેશભરમાં આવા ઘણા પ્રયોગો શરૂ કર્યા છે. જો લોકોને તે ગમશે તો તેઓ મને મત આપશે.બાકી લોકશાહી જ સર્વોચ્‍ચ છે. વધુમાં ગડકરીએ કહ્યું કે રાજનીતિનો અર્થ સામાજિક કાર્ય, રાષ્ટ્રીય મુદ્દાઓનું નિરાકરણ અને વિકાસ સાથે જોડાયેલા મુદાપર કામ કરવું, તેમણે એમ પણ કહ્યું કે રાજકારણ પૈસા કમાવવાનો ધંધો નથી.  સામાજિક-આર્થિક પરિવર્તન એ રાજકારણનું મુખ્‍ય લક્ષ્ય છે. આધુનિક વિશ્વમાં સફળતાની મુખ્‍ય ચાવી ટકાઉ વિકાસ છે. પર્યાવરણ વિના વિકાસ ટકાઉ નથી. આધુનિક વિશ્વમાં વિકાસ એટલો જ મહત્‍વપૂર્ણ છે. તેમણે ગ્રામીણ વિસ્‍તારોમાં અર્થતંત્રના વિકાસ માટે વાંસના ઉપયોગ પર પણ ભાર મૂક્‍યો હતો. ગડકરીના આ ભાષણ બાદ ચર્ચા જાગી છે.

(11:55 am IST)