Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

કોંગ્રેસના ધારાસભ્‍ય ઉપર પીએમ મોદીની તસ્‍વીર ફાડવાનો આરોપ : કોર્ટે સંભળાવી સજા

કેસ ૨૦૧૭ના એક દેખાવ કાર્યક્રમ સાથે સંકળાયેલો છે

નવી દિલ્‍હી તા. ૨૮ : નવસારીની કોર્ટે કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલને સજા ફટકારી છે. અનંત પટેલ પરનો આ કેસ વર્ષ ૨૦૧૭માં થયેલા પ્રદર્શન સાથે સંબંધિત છે. તેના પર એક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્‍સેલરની ચેમ્‍બરમાં ઘૂસીને વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની તસવીર ફાડવાનો આરોપ છે. કોર્ટે કોંગ્રેસના ધારાસભ્‍યના આરોપોને સાચા ગણાવ્‍યા અને તેમને સજા તરીકે ૯૯ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્‍યો.

 એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ વીએ ધાધલની કોર્ટે નેવાંસદા (અનુસૂચિત જાતિ) સીટના ધારાસભ્‍ય અનંત પટેલને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૪૭ હેઠળ ગુનાહિત પેશકદમી માટે દોષિત ઠેરવ્‍યા છે. પટેલ અને યુથ કોંગ્રેસના સભ્‍યો સહિત અન્‍ય છ સામે આઈપીસીની કલમ ૧૪૩ (ગેરકાયદેસર સભા), ૩૫૩ (હુમલો), ૪૨૭ (૫૦ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચાડવા માટે દુષ્‍કર્મ), ૪૪૭ (ગુનાહિત ગુનાખોરી) અને ૫૦૪ (ઈરાદાપૂર્વક અપમાન) હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો હતો. આ રિપોર્ટ મે ૨૦૧૭માં જલાલપોર પોલીસ સ્‍ટેશનમાં લખવામાં આવ્‍યો હતો.

અનંત પટેલ અને અન્‍યો પર નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિની ઓફિસમાં ઘૂસીને ગેરવર્તન અને વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન VCના ટેબલ પર મૂકેલી PM મોદીની તસવીર ફાડવાનો આરોપ હતો. કોર્ટે પટેલ સહિત ત્રણ આરોપીઓને આ કેસમાં ગુનાહિત પેશકદમી માટે દોષિત ઠેરવ્‍યા હતા અને તેમને ૯૯ રૂપિયાનો દંડ જમા કરવાનો આદેશ આપ્‍યો હતો. દંડ ન ભરે તો સાત દિવસની કેદની સજા ભોગવવી પડશે.

 પ્રોસિક્‍યુશન દ્વારા અનંત પટેલ પર IPCની કલમ ૪૪૭ હેઠળ મહત્તમ સજાની માંગ કરવામાં આવી હતી. જેમાં ત્રણ મહિના સુધીની જેલ અને ૫૦૦ રૂપિયા દંડની જોગવાઈ છે. જો કે, કેસમાં બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે એફઆઈઆર રાજકીય બદલો લેવાનું પરિણામ હતું કારણ કે આરોપીઓ વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્‍યો હતા

(10:56 am IST)