Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

હવેથી ટ્રેનના AC કોચમાં નહીં જોવા મળે ગંદી ચાદર કે ધાબળાં!

રેલવેએ કર્યા નિયમમાં ફેરફાર

નવી દિલ્‍હી,તા. ૨૮ : રેલ્‍વે દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે અને આ કારણોસર રેલ્‍વે સમયાંતરે કે કોઈ તહેવાર પર સ્‍પેશ્‍યલ ટ્રેનો ચલાવવાથી લઈને બીજી ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. ભારતીય રેલ્‍વે નેટવર્કની ગણતરી વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં થાય છે અને ભારતના દરેક નાના વિસ્‍તારોને મોટા મહાનગરો સાથે જોડવાનું કામ કરે છે. આ કારણથી ભારતીય રેલ્‍વેને દેશની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે. એવામાં જો તમે વારંવાર ટ્રેન દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો તમારી માટે સારા સમાચાર સામે આવ્‍યા છે.

ટ્રેનમાં મુસાફરી કરતાં લોકોને સુવિધા આપવા માટે રેલ્‍વેએ મોટું પગલું ભર્યું છે. હવે મુસાફરોને ટ્રેનની અંદર ગંદી ચાદરો અને ધાબળાની પરેશાનીનો સામનો હવે નહીં કરવો પડે. ઇંડિયન રેલ્‍વેએ હવે આ વિશે કડકાઇ અપનાવી છે અને નિયમોમાં બદલવા કર્યો છે. આ સાથે AC કોચમાં હવે સાફ પડદા પણ લગાવવામાં આવશે.

ટ્રેનમાં હવે ખરાબ ચાદરો અને ધાબળા અને કેટરિંગમાં લાપરવાહી નહીં ચાલે. રેલ્‍વેમાં ચાલતી આ સેવાઓ માટે બહાર પાડવામાં આવતા ટેન્‍ડર પ્રોસેસ રેલ્‍વે બોર્ડે લાલ આંખ કરી છે. જણાવી દઈએ કે મુસાફરી દરમિયાન ઉપયોગમાં આવતી ચાદર અને ધાબળા ધોવા અને ટ્રેનની સાફસફાઇ એમજ કેટરિંગનો કોન્‍ટ્રેક્‍ટ છ મહિનાથી વધુ માટે નહીં આપવામાં આવે. નોંધનીય છે કે આ પહેલા આ કોન્‍ટ્રેક્‍ટ ૩ થી ૫ વર્ષ માટે આપવામાં આવતો હતો.

જણાવી દઈએ કે આઇઆરસિટીસી એ દરેક ઝોનના રેલ્‍વે માટે આ આદેશ બહાર પાડ્‍યો છે. હાલ કહેવામાં આવી રહ્યું છે કે હવે  ચાદર અને ધાબળા ધોવા માટેનું ટેન્‍ડર ડિવિઝનની જગ્‍યાએ નવી પોલિસી મુજબ રેલ્‍વે બોર્ડ દ્વારા કરવામાં આવશે.

નોંધનીય છે કે ટ્રેનની અંદર ગંદા ચાદર અને ધાબળાનું મુદ્દો એનબીટીએ ઉઠાવ્‍યો હતો. ઓકટોબર ૨૦૨૨માં એનબીટી દ્વારા કરવામાં આવેલ એક સ્‍ટિંગ ઓપરેશનમાં આ ખુલાસો થયો હતો કે ટ્રેનની અંદર ધોયા વિનાની ચાદર અને ધાબળાની સપ્‍લાઈ કરવામાં આવતી હતી. જણાવી દઈએ કે આ સ્‍ટિંગ ઓપરેશન બાદ છ કર્મચારીઓને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા.

(10:40 am IST)