Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ડ્રગ્‍સ તસ્‍કરોએ પોલીસની કાર ધોવી પડશે : બ્રિટનમાં નિયમ લાગુ

રિશિ સુનકે એન્‍ટિ-સોશ્‍યલ એક્‍શન પ્‍લાન તૈયાર કર્યો :ધરપકડના તુરંત બાદ મજૂરી કામ સોપવાની સત્તા પોલીસને આપવામાં આવી, વિવિધ ગેંગ સામે પણ પગલાં

લંડન,તા. ૨૮ : બ્રિટનમાં ડ્રગ્‍સ તસ્‍કરો અને વિવિધ જુથો દ્વારા આચરવામાં આવી રહેલા ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્‍થિતિ વચ્‍ચે ડ્રગ્‍સ તસ્‍કરો અને વિવિધ ગેંગ સામે કાર્યવાહી માટે પોલીસને વધુ પાવર આપતા એન્‍ટિ-સોશિયલ બીહેવીયર એક્‍શન પ્‍લાનને તૈયાર કરવામાં આવ્‍યો છે.

આ એક્‍શન પ્‍લાન બ્રિટનના વડાપ્રધાન રિશિ સુનાક દ્વારા તૈયાર કરવામાં આવ્‍યો છે. જેને સોમવારથી લોન્‍ચ કરી દેવામાં આવ્‍યો છે. આ નવી તાત્‍કાલીક ન્‍યાય યોજના અંતર્ગત ડ્રગ્‍સ તસ્‍કરો અને ગેંગની ધરપકડ કરવામાં આવે તેના તુરંત બાદ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. અને આરોપીને કેટલુક સાફ સફાઇ સહિતનું કામ પણ સોપી દેવામાં આવશે.

આ ઉપરાંત નવા નિયમ મુજબ ડ્રગ્‍સ તસ્‍કરો કે ગેંગ દ્વારા જે અપરાધ આચરવામાં આવ્‍યો હોય તેના દ્વારા પીડિતને જે નુકસાન થયું હોય તેની ભરપાઇ આરોપીએ કરવાની રહેશે. અપરાધીઓને તેના ગુનાઓ બદલ કચરો ઉઠાવવો, પોલીસના કારોને સાફ કરવા સહિતના મજૂરી કામ આપવામાં આવશે. તેમને ખાસ ડ્રેસ પણ પહેરાવવામાં આવશે. બ્રિટનમાં ગેંગ દ્વારા થતા અપરાધનું પ્રમાણ વધી રહ્યું છે આ સ્‍થિતિ વચ્‍ચે નવો નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે.

(10:39 am IST)