Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

SGSTની તાનાશાહી : વેપારીઓને નોટીસ આપ્‍યા વિના જ બેંક ખાતા સીઝ

બેંક ખાતા સીઝ કરતા પહેલા વેપારીને નોટીસ આપવાના નિયમનું ઉલ્લંઘન : વેપારીઓને જાણ પણ કરાઇ નથી : સ્‍ટેટ જીએસટી દ્વારા જે લોકોએ ટેક્‍સ નથી ચૂકવ્‍યા તેવા લોકોથી રિકવરીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેટલાક કેસોમાં બેંક ખાતા પણ એટેચ કરવામાં આવ્‍યા છે. વેપારીઓને અગાઉથી જાણ કરવાની હોય છે પરંતુ કરવામાં આવતી નથી

મુંબઇ,તા. ૨૮ : જીએસટી ભરપાઇ કરવા માટેની વેપારીઓને નોટીસ મોકલવામાં આવ્‍યા બાદ પણ ભરપાઇ કરવામાં નહીં આવે તો બેંક ખાતા સીઝ કરવા માટેની ફરીથી નોટીસ મોકલીને અલ્‍ટિમેટમ આપવાનો નિયમ જીએસટીના કાયદામાં બનાવવામાં આવ્‍યો છે. પરંતુ એસજીએસટીના અધિકારીઓ આવા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી નોટીસ આપ્‍યા વિના જ બેંક ખાતા સીઝ કરવા માંડતા વેપારીઓમાં કચવાટ પેદા થયો છે.જીએસટી વિભાગ દ્વારા માર્ચ મહીનો સમાપ્ત થાય તેની પહેલા લક્ષ્યાંક ને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એસજીએસટી વિભાગ દ્વારા જે કેસોમાં જીએસટી પેન્‍ડિંગ છે અથવા તો વેપારીઓ રિટર્ન નથી ફાઇલ કરી રહ્યા કે જે કેસોમાં વેપારીઓ જીએસટી ચૂકવવાનું ટાળી રહ્યા છે તેમાં બેંક એકાઉન્‍ટ એટેચ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. કેટલાક કેસોમાં વેપારીઓનું કહેવું છે કે કોઇ પણ પૂર્વ સુચના વગર બેંક એકાઉન્‍ટ એટેચ કરવામાં આવી રહ્યા છે. જોકે કાયદેસર ડિપાર્ટમેન્‍ટ દ્વારા વેપારીઓને પૂર્વ સૂચના આપવી જોઇએ. સુરત અને દક્ષિણ ગુજરાતમાં આશરે ૨૦૦ જેટલા ખાતાઓ એટેચ કરવામાં આવ્‍યા છે.

જીએસટીના નિયમ પ્રમાણે જીએસટી ભરવા માટે સમય આપવામાં આવ્‍યા બાદ બેંક ખાતા સીઝ કરવા માટે પણ સમય આપવાનો હોય છે. પરંતુ માર્ચમાં હિસાબ સરભર કરવા માટે હવે વેપારીઓને નોટીસ આપ્‍યા વિના જ બેંક ખાતા સીઝ કરી દેવામાં આવ્‍યા છે. તેના લીધે વેપારીની હાલત સૌથી વધુ કફોડી બની છે. કારણ કે તેઓએ પણ સામે નાણાની ચુકવણી કરવાની હોય તેવા સમયે જ બેંક ખાતા સીઝ થતા નાણાકીય વ્‍યવહાર ખોરવાય ગયો છે.

(10:33 am IST)