Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારને નોટીસ ફટકારી

બિલકિસ બાનો કેસમાં ૧૧ દોષિતોની વહેલી મુક્તિ આપવા પર સુનાવણી હાથ ધરાઈ

કોર્ટે ગુજરાત સરકારને ગુનેગારોને જલ્દી મુક્ત કરવા અંગે વિચારણા કરવા નિર્દેશ આપ્યો હતો

ન્યુ દિલ્હી,  સોમવારે સુપ્રીમ કોર્ટમાં બિલકિસ બાનો કેસમાં ૧૧ દોષિતોની વહેલી મુક્તિ આપવા પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગેંગરેપ કેસમાં ૧૧ દોષિતોની સજામાં ફેરફારને પડકારતી બિલ્કિસ બાનોની અપીલ પર કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ જારી કરી છે.

તમને જણાવી દઈએ કે, ૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન ૧૧ દોષિતોએ બિલ્કીસ બાનો પર ગેંગરેપ કર્યો હતો અને તેના પરિવારના સભ્યોની હત્યા કરી હતી. ગુજરાત સરકારે ગુનેગારોને રાહત આપતા ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ગુનેગારોને મુક્ત કર્યા હતા. તેની સામે બિલકિસ બાનોએ ફરી સુપ્રીમ કોર્ટમાં જઈને અરજી દાખલ કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.

જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નની બેંચે બિલકિસ બાનોની અરજી પર સુનાવણી કરી હતી. અગાઉ, ૨૨ માર્ચે અરજી પર સુનાવણી કરતી વખતે, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે બિલકિસ બાનોની અરજી પર સુનાવણી માટે નવી બેંચની રચનાનું આશ્વાસન આપ્યું હતું.

દોષિતોની વહેલી મુક્તિ વિરુદ્ધ બિલકિસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સાથે બીજી અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેમાં બિલકીસ બાનોએ પણ સુપ્રીમ કોર્ટને તેના નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરી છે, જેમાં કોર્ટે ગુજરાત સરકારને ગુનેગારોને જલ્દી મુક્ત કરવા અંગે વિચારણા કરવા નિર્દેશ આપ્યો હતો.

૧૩ મે ૨૦૨૨ ના રોજ, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને દોષિતોની અકાળે મુક્તિ પર વિચાર કરવા કહ્યું. સુપ્રીમ કોર્ટે ૯ જુલાઈ ૧૯૯૨ના રોજ ગુજરાત સરકારની નીતિ હેઠળ દોષિતોની મુક્તિ પર વિચાર કરવા જણાવ્યું હતું.

 તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકારે ૯ જુલાઈ, ૧૯૯૨ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જે ૧૮ ડિસેમ્બર, ૧૯૭૮ના રોજ અને ત્યાર બાદ ૧૪ વર્ષની જેલની સજા પામેલા આજીવન કેદના દોષિતોને વહેલા મુક્ત કરવા સંબંધિત છે. આ રીતે, આજીવન કેદની સજા પામેલા દોષિતોને સજાની માફી માટે આ પરિપત્રના આધારે રાહત મળી શકે છે.

(1:27 am IST)