Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

રાહુલ ગાંધીને નોટિસ મોકલાઈ

પહેલા સાંસદ પદ ગયું, હવે રાહુલને બંગલો ખાલી કરવો પડશે

રાહુલ ગાંધી અમેઠીથી લોકસભાના સાંસદ ચૂંટાયા ત્યારથી તેમને તુઘલક લેનનો ૧૨ નંબરનો બંગલો ફાળવાયેલો હતો

નવી દિલ્હી,, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ. માનહાનિ કેસમાં સજાના કારણે સાંસદ પદ ગુમાવનારા રાહુલને હવે સરકારી બંગલો ખાલી કરવો પડશે. રિપોર્ટ મુજબ, રાહુલ ગાંધીને લોકસભાની હાઈસિંગ કમિટી તરફથી સરકારી બંગલો ખાલી કરવા સંબંધી નોટિસ મોકલાઈ છે. તેમને ૨૨ એપ્રિલ સુધીમાં સરકારી બંગલો ખાલી કરવો પડશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સાંસદ બન્યા પછી ૧૨ તુઘલક લેનનો બંગલો ફાળવાયો હતો. ગત શુક્રવારે લોકસભા સચિવાલયે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરી દીધું હતું. રાહુલ ગાધી કેરળના વાયનાડથી સાંસદ હતા. સુરતની કોર્ટે મોદી સરનેમ અંગેના ચાર વર્ષ જૂના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી.

કોર્ટના આ ચુકાદા બાદ લોકસભા સચિવાલયે તેમનું સભ્યપદ પણ રદ કરી દીધું હતું. જન પ્રતિનિધિ અધિનિયમ ૧૯૫૧ અંતર્ગત સ્પીકરે આ કાર્યવાહી કરી હતી. ૨૩ માર્ચ,૨૦૨૩એ સુરતની કોર્ટનો ચુકાદો આવ્યો હતો અને એ જ દિવસે રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થઈ ગયું હતું. જોકે, તે અંગે જાણકારી ૨૪ માર્ચ, ૨૦૨૩એ સામે આવી હતી. રાહુલ ગાંધી વર્ષ ૨૦૦૪થી લુટિયન્સ દિલ્હીમાં ૧૨, તુઘલક લેનવાળા સરકારી બંગલામાં રહે છે. આ બંગલો તેમને પહેલી વખત ત્યારે મળ્યો હતો, જ્યારે તેઓ ૨૦૦૪માં અમેઠીથી પહેલી વખત સાંસદ બન્યા હતા. વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં મોદી સરનેમને લઈને કથિત રીતે વિવાદીત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'આ બધા ચોરોનું ઉપનામ (સરનેમ) મોદી કેમ છે?' આ મામલે ભાજપના નેતા અને સુરત પશ્ચિમના પૂર્વ ધારાસભ્ય પુર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો. જેની સુનાવણી સુરતની કોર્ટમાં થઈ હતી અને રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવાઈ હતી.

(1:25 am IST)