Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ઈજિપ્તના અબિડોસ શહેરના મંદિરમાં મળ્યાં 2 હજાર ઘેટાના માથાની મમી

ફેરો રામસેસના મંદિરમાં હજારો ઘેટાંની બલિ ચડાવાઈ હતી:કબરોમાં કૂતરા, બકરાં, ગાયો અને નોળિયાઓની મમીઓ પણ મળી

નવી દિલ્હી:પીરામીડના દેશ તરીકે જાણીતા ઈજિપ્તમાં સંશોધકોએ જે શોધ કરી છે તે જાણીને ડરી જવાશે. પીરામીડને કારણે આખી દુનિયામાં જાણીતા ઈજિપ્તના એક મંદિરમાંથી એક-બે કે સો-બસ્સો નહીં પરંતુ હજારોની સંખ્યામાં ઘેટાના કપાયેલા માથાં મળી આવતાં દુનિયાભરના વૈજ્ઞાનિકોને ભારે નવાઈ લાગી છે.

 

ઇજિપ્તના પુરાતત્ત્વવિદોને ઘેટાંના માથાના મમી મળી આવ્યા છે, જેની સંખ્યા 2000થી વધુ છે. ઘેટાંના આ વડાઓને ફેરો રામસેસ બીજાના મંદિરમાં બલિ તરીકે અર્પણ તરીકે અર્પણ કરવામાં હોવાનું વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. 2000 ઘેટાંના માથાની માહિતી રવિવારે અહીંના પર્યટન અને પ્રાચીન મંત્રાલયે આપી હતી. 

 

ન્યુ યોર્ક યુનિવર્સિટીના અમેરિકન પુરાતત્ત્વવિદોની ટીમે કબરોમાંથી કૂતરા, બકરાં, ગાયો અને નોળિયાઓની મમીઓને પણ બહાર કાઢી છે. 

 

અમેરિકન મિશનના વડા સમેહ ઇસ્કંદરે આ અંગે વધુ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ માથાઓ મંદિરમાં ચઢાવવામાં આવતી ભેટ છે. આ બતાવે છે કે રામસેસ બીજાના મૃત્યુના 1000 વર્ષ પછી એક ઉજવણી કરવામાં આવી હતી. ઈ.સ. પૂર્વે 1304થી 1237 સુધી લગભગ સાત દાયકા સુધી રામસેસ દ્વિતીયએ ઇજિપ્ત પર શાસન કર્યું હતું અને તેમના સમય દરમિયાન ઘેટાની બલિ આપવામાં આવી હતી. 

 

આ પ્રાણીઓની મમી ઉપરાંત પુરાતત્વવિદોએ 4 હજાર વર્ષ જુના કિલ્લાના અવશેષો શોધી કાઢ્યાં છે. કિલ્લાની દિવાલો 435 ફૂટ જાડી છે. આ ઉપરાંત તેમને ઘણા શિલ્પો, પપૈરી, પ્રાચીન વૃક્ષોના અવશેષો, ચામડાના કપડાં અને પગરખાં પણ મળ્યાં હતાં. નાઇલ નદી પર કેરોથી દક્ષિણે  અબિડોસ નામના શહેરમાંથી આ બધું મળ્યું છે.

(10:31 pm IST)