Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

એન્કાઉન્ટરઃ જમ્મુ-કાશ્મીરમાં ૯, આસામમાં ૪ ગણો વધારો

પોલીસ દ્વારા થતા એન્કાઉન્ટરમાં દેશમાં ઊછાળો : વર્ષ ૨૦૨૦-૨૧માં દેશમાં ૮૨ એન્કાઉન્ટર નોંધાયા હતા જયારે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૫૧ વ્યક્તિના એન્કાઉન્ટર

શ્રીનગર, તા.૨૭ : પોલીસ દ્વારા થતા એન્કાઉન્ટરમાં વર્ષ ૨૦૨૧-૨૨માં દેશમાં સૌથી મોટો ઉછાળો જમ્મુ અને કાશ્મીર અને પછી બીજા ક્રમે આસામમાં જોવા મળ્યો છે. લોકસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્રના ગૃહ વિભાગે આપેલી વિગત અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં આગલા વર્ષ કરતા નવ ગણો જયારે આસામમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે.

ગૃહ મંત્રાલય વચ્ચે રાજ્યકક્ષાના ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧માં દેશમાં ૮૨ એક્નાઉન્ટર નોંધાયા હતા જયારે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૫૧ વ્યક્તિના એન્કાઉન્ટર થયા છે. લોકસભામાં આપેલી વિગત અનુસાર કાશ્મીરમાં એક જ વર્ષમાં એક્નાઉન્ટરની ઘટના પાંચથી વધી ૪૫ થઇ ગઈ છે.

વર્ષ ૨૦૨૦-૨૧માં ઉત્તર પ્રદેશમાં ૧૬ અને મધ્ય પ્રદેશમાં છ ઘટના સામે તે ઘટી ૧૧ અને બે થઇ ગઈ છે. જોકે, આસામમાં એક જ વર્ષમાં પોલીસ એક્નાઉન્ટરની સંખ્યા ચારથી વધી ૧૮ થઇ ગઈ છે.

આ સિવાય, છતીસગઢમાં પોલીસ એક્નાઉન્ટરની સંખ્યા ૨૪થી વધી ૩૦, ઝારખંડમાં પાંચથી વધી નવ થઈ છે.

બીજી તરફ પોલીસ કસ્ટડીમાં હોય અને મૃત્યુ પામ્યા હોય તેવા કેસની સંખ્યા પણ વધી છે. વર્ષ ૨૦૨૦-૨૧માં દેશમાં ૧૯૪૦ વ્યક્તિના કસ્ટડીમાં મૃત્યુ થયા હતા જે ૨૦૨૧-૨૨માં વધી ૨,૫૪૪ થઇ ગયા છે.

ઉત્તર પ્રદેશમાં કસ્ટડીમાં વ્યક્તિના મૃત્યુનું પ્રમાણ ૪૫૧ સામે વધી ૫૦૧ થયું છે. પશ્ચિમ બંગાળમાં આ પ્રમાણ ૧૮૫ સામે વધી ૨૫૭ થયું છે. બિહારમાં ૧૫૯ સામે એક વર્ષમાં ૨૩૭ અને મધ્ય પ્રદેશમાં ૧૬૩ સામે ૨૩૭ વ્યક્તિઓના કસ્ટડીમાં મૃત્યુ થયા છે.

(7:37 pm IST)