Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

૨૨.૦૫ કરોડ અરજી સામે આઠ વર્ષમાં માત્ર ૭.૨૨ લાખને નોકરી

સરકારે દેશમાં બેકારીનું બિહામણું ચિત્ર રજૂ કર્યું : લોકસભામાં આ આંકડા મીનીસ્ટ્રી ઓફ સ્ટેટ ફોર પર્સોનેલ વિભાગ વતી રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે આપ્યા

નવી દિલ્હી, તા.૨૭ : દેશમાં બેરોજગારી સામે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ભરતી અંગેના એક સવાલના જવાબમાં લોકસભામાં કેન્દ્ર સરકારે આંકડા આપ્યા છે જેમાં બેરોજગારી અંગે બિહામણું ચિત્ર સામે આવી રહ્યું છે. વર્ષ ૨૦૧૪-૧૫થી ૨૦૨૧-૨૨ના આઠ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે બહાર પાડેલી વિવિધ જગ્યાઓની ભરતી માટે સરકારને કુલ ૨૨.૦૫ કરોડ અરજીઓ એટલે કે દેશની વસતીના છટ્ઠા ભાગના લોકોએ અરજી કરી હોવાનું સરકારે જણાવ્યું હતું અને તેની સામે આ આઠ વર્ષમાં સરકારે કુલ ૭.૨૨ લાખ લોકોને નોકરી આપી છે. આ આંકડા દર્શાવે છે કે નોકરીની સામે અરજદારની સંખ્યા ત્રણસોથી ચારસો ગણી છે!

    લોકસભામાં આ આંકડા મીનીસ્ટ્રી ઓફ સ્ટેટ ફોર પર્સોનેલ વિભાગ વતી રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે આપ્યા હતા.

 "દેશમાં રોજગારી વધે, વધુને વધુ લોકો રોજગાર લાયક બને એ અમારી સરકારની પ્રાથમિકતા છે અને આ માટે કેન્દ્ર સરકારે અનેક પગલાં લીધા છે," એમ મંત્રીએ પોતાના જવાબમાં જણાવ્યું હતું. આ પછી મંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં શરુ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને તેના ખર્ચ અંગે માહિતી આપી હતી.

વર્ષ              કુલ અરજી          મળેલી નોકરી     નોકરી સામે અરજીનું પ્રમાણ

૨૦૧૪-૧૫       ૨,૩૨,૨૨,૦૮૩      ૧,૩૦,૪૨૩            ૧૭૮ ગણું

૨૦૧૫-૧૬       ૨,૯૫,૫૧,૮૪૪      ૧,૧૧,૮૦૭            ૨૬૪ ગણું

૨૦૧૬-૧૭       ૨,૨૮,૯૯,૬૧૨      ૧,૦૧,૩૩૩            ૨૨૬ ગણું

૨૦૧૭-૧૮       ૩,૯૬,૭૬,૮૭૮      ૭૬,૧૪૭              ૫૨૧ ગણું

૨૦૧૮-૧૯       ૫,૦૯,૩૬,૪૭૯      ૩૮,૧૦૦              ૧૩૩૬ ગણું

૨૦૧૯-૨૦       ૧,૭૮,૩૯,૭૫૨      ૧,૪૭,૦૯૬            ૧૨૧ ગણું

૨૦૨૦-૨૧       ૧,૮૦,૦૧,૪૬૯      ૭૮,૫૫૫              ૨૨૯ ગણું

૨૦૨૧-૨૨       ૧,૮૬,૭૧,૧૨૧      ૩૮,૮૫૦              ૪૮૦ ગણું

કુલ              ૨૨,૦૫,૯૯,૨૩૮    ૭,૨૨,૩૧૧            ૩૦૫ ગણું

(7:36 pm IST)