Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

સોનિયા ગાંધીની ED દ્વારા બે રાઉન્ડમાં 6 કલાક પૂછપરછ કરાઈ: જવાબમાં સંતોષ નહીં મળતા કાલે ફરી આવવું પડશે

સોનિયા ગાંધીની પૂછપરછનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદોની ધડપકડ કરાઈ

નવી દિલ્લી તા.26 : કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની આજે ED દ્વારા પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. તેઓ સવારે 11 વાગ્યે ED ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં તેમની 6 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ આજની આ પૂછપરછથી EDને સંતોષ નથી થયો.  જેથી EDએ સોનિયા ગાંધીને આવતીકાલે ફરી હાજર થવાનું કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોડ્રિંગ મામલે ગાંધી પરિવારની ઘણા સમયથી પૂછપરછ થઈ રહી છે. આ પહેલા કોરોના થવાને કારણે સોનિયા ગાંધીની પૂછપરછ થઈ શકી ના હતી. રાહુલ ગાંધીની પણ આ મામલે પૂછપરછ થઈ હતી. જે ક્રમમાં હાલમાં સોનિયા ગાંધીની ED દ્વારા પૂછપરછ ચાલી રહી છે. કાલે ફરી આ મામલે પૂછપરછ ચાલુ રહેશે.

ED દ્વારા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષની ચાલી રહી પૂછપરછના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ સરકાર પર આરોપ લગાવી રહ્યા છે કે તે સરકારી સંસ્થાનોનો દૂરઉપયોગ કરી રહ્યા છે. આજે મંગળવારે પ્રદર્શન વચ્ચે રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદોની ધડપકડ કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવીને વાળ ખેંચતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોડ્રિંગ મામલે હાલમાં ED દ્વારા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ આ પહેલા 21 જુલાઈએ થઈ હતી. જેમાં ED દ્વારા અઢી કલાક સોનિયા ગાંધીને સવાલો કરવામાં આવ્યા હતા. ED દ્વારા જૂનના પહેલા અઠવાડિયામાં પૂછપરછ માટે નોટિસ આપવામાં આવી હતી. 13 થી 20 જૂન વચ્ચે રાહુલ ગાંધીની 4 વાર પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે કોરોનાને કારણે 23 જૂને સોનિયા ગાંધી પૂછપરછ માટે ના આવી શક્યા જેથી તેમની 21 જુલાઈએ પૂછપરછ શરુ થઈ હતી. જોવાનું એ રહ્યુ કે આવનારા સમયમાં આ મામલે શું થશે ? ED દ્વારા આ પૂછપરછ કેટલા સમય સુધી થશે એ પણ જોવુ રહ્યુ. આ મામલે કોંગ્રેસ જોરદાર વિરોધ પ્રદર્શન દેશભરમાં કરી રહી છે.

(11:38 pm IST)