Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો તિબેટ પ્રવાસ ભારત માટે ખતરાની ઘંટડી

અમેરિકી સાંસદ ડેવિડ નુનેસની ચેતવણી : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તિબેટના શહેર અને અરુણાચલ પ્રદેશની નજીક આવેલા ન્યિંગચીની મુલાકાત લેતા ચર્ચાએ જોર પકડ્યું

 

વોશિંગ્ટન, તા.૨૭ : અમેરિકાની રાજનીતિમાં ભારે પ્રભાવ ધરાવતા સાંસદ ડેવિડ નુનેસનુ કહેવુ છે કે, ગયા સપ્તાહે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો તિબેટ પ્રવાસ ભારત માટે ખતરાની ઘંટડી સમાન છે. ઉલ્લેખનીય છે કે, જિનપિંગે તિબેટના શહેર અને અરુણાચલ પ્રદેશની નજીક આવેલા ન્યિંગચીની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંના સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

અમેરિકન ચેનલને આપેલી મુલાકાતમાં સાંસદ ડેવિડ નુનેસે જિનપિંગના તિબેટ પ્રવાસ અંગે કહ્યુ હતુ કે, ૩૦ વર્ષમાં પહેલી વખત છે કે, ચીનના રાષ્ટ્રપતિ તિબેટ ગયા હોય.

ભારત માટે ખતરાની વાત છે .વધારે ખતરાની વાત છે કે, ચીન તિબેટમાં મોટો ડેમ બનાવવા પર કામ કરી રહ્યુ છે અને તેના કારણે ભારતને મળતુ પાણી પણ અટકી શકે છે. તેમણે કહ્યુ હતુ કે, ચીન આગળ વધી રહ્યુ છે તે હકીકત છે અને અમેરિકાની જો બાઈડનની સરકાર ચીનને પોતાની મનમાની કરવા દઈ રહી છે તે પણ આશ્ચર્ય જનક વાત છે. ઉલ્લેખનીય છે કે, જિનપિંગે તિબેટની મુલાકાત એવા સમયે લીધી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે તનાવ છે.

(7:36 pm IST)