Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મમતા બેનર્જી વિશે વિવાદિત ટિપ્પણી કરનાર KLOના પ્રમુખ સામે UAPA એક્ટ હેઠળ કાર્યવાહી : કેસ નોંધાયો

કેન્દ્ર સરકાર કેએલઓને આતંકવાદી જૂથ જાહેર કરી ચુકી છે

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને 'બાહ્ય વ્યક્તિ' કહેવા અને રાજ્ય સરકારને 'વિદેશી' સરકારોનું કેન્દ્ર ગણાવનારા આતંકવાદી જૂથ કેએલઓનાં વડા જીવનસિંઘ ઉર્ફે તમિર દાસ પર UAPA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એક પોલીસ અધિકારીએ સોમવારે આ માહિતી આપી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યની વિશેષ ટાસ્ક ફોર્સે આ ટિપ્પણ માટે જીવન સિંઘ ઉપર યુએપીએ ઉપરાંત દેશદ્રોહના આરોપો પણ લગાવી દીધા છે. કથિત વિડિયોમાં, કામતાપુર લિબરેશન ઓર્ગેનાઇઝેશન (કેએલઓ) ના વડા જીવન સિંહને કેન્દ્રીય પ્રધાન જ્હોન બરલાના તે નિવેદનને સમર્થન આપતા સાંભળવામાં આવ્યા છે, જેમાં તેમણે પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગોમાં જોડીને અલગ રાજ્યની માંગણી કરી હતી.

એસટીએફના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે જીવનસિંઘ સામે વીડિયોના સંદર્ભમાં કેસ નોંધ્યો છે, જેમાં તે આ બધી વાતો કહેતા સાંભળવામાં આવે છે. અમે વિડિયોના સ્રોતને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ બાબતે તપાસ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર કેએલઓને આતંકવાદી જૂથ જાહેર કરી ચુકી છે. 1995થી ઓલ કામતાપુર સ્ટુડન્ટ્સ યુનિયન (એકેએસયુ)ના કોચ-રાજબોંગશી સમુદાયના સભ્યોએ, ભારતથી અલગ કામતાપુર રાષ્ટ્રની માગણી કરીને, મુક્તિ માટે એક સશસ્ત્ર લડત શરૂ કર્યા પછી, કેએલઓ અસ્તિત્વમાં આવ્યુ હતું.

આતંકવાદી જૂથ કેએલઓ દ્વારા માંગ મુજબ, કામતાપુર રાષ્ટ્રમાં પશ્ચિમ બંગાળના છ જિલ્લાઓ - કૂચ બિહાર, દાર્જિલિંગ, જલપાઈગુડી, ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર અને માલદા, આસામના ચાર જિલ્લા, બિહારના કિશનગંજ જિલ્લો અને નેપાળના ઝાપા જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે.

(1:01 am IST)