Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

તમે મારા શહીદ પિતાનું અપમાન કરો છો, તેના પુત્રને મીર જાફર કહો છો : પ્રિયંકાનો આક્રોશ

મને જેલમાં પુરો, કેસ કરો પણ હું બોલીશ જ ‘વડાપ્રધાન મોદી બાયલા છે, ઘમંડી છે' : શાષાો મુજબ ઘમંડી રાજા પરાજીત થયા વગર રહેતા નથીઃ રાહુલ ગાંધીએ અદાણી સામે પ્રશ્નો ઉઠાવ્‍યા એટલે આ કેસ ખુલ્‍યો : મારા કુટુંબે બલીદાનો આપી દેશ માટે લોહી રેડયું છે શું તે શરમાવા જેવું છે ?

નવી દિલ્‍હી, તા., ર૭:  જાહેરસભામાં  પોતાના વકતવ્‍ય દરમિયાન તમામ મોદી ચોર જ કેમ હોય છે? તેવો સાહજીક કટાક્ષ કરનાર રાહુલ ગાંધી સામે આ મામલે નોંધાયેલા માનહાની કેસમાં ગુજરાતની કોર્ટે બે વર્ષની સજા કરી છે. આ હુકમને આગળ ધરી રાહુલ ગાંધીને સંસદમાંથી હાંકી કઢાયા છે ત્‍યારે લોકશાહીને ગળે ટુંપો આપનારા આ પગલાના વિરોધમાં ગઇકાલે સંકલ્‍પ સત્‍યાગ્રહ રાજઘાટ ખાતે યોજવામાં આવ્‍યો હતો. જેમાં દેશભરના અગ્રીમ હરોળના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડયા હતા. આ સત્‍યાગ્રહ સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ પોતાનો પુણ્‍યપ્રકોપ ઠાલવ્‍યો હતો. તેમણે જણાવેલ કે, મારા શહીદ પિતાનું તમે અપમાન કરો છો, તેના પુત્ર (મારા ભાઇ રાહુલ)ને મીર જાફર કહો છો. (ત્‍યારે અમારી માનહાની નથી થતી?!)

 એક મુખ્‍યમંત્રીએ કહ્યું હતું રાહુલ ગાંધી તે પણ જાણતા નથી કે તેમના પિતા કોણ છે ? તેની સામે શા માટે પગલાં નથી લેવાતાં. તેમણે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદી બાયલા છે, સાથે ઘમંડી પણ છે. હિન્‍દૂશાષાો કહે છે તમામ ઘમંડી રાજાઓ પરાજિત જ થાય છે. હા ! મારી ઉપર કેસ કરો, મને જેલમાં પૂરો પણ હું કહીશ જ કે વડા પ્રધાન બાયલા છે.

તમે મારા શહીદ પિતાનું સંસદમાં અપમાન કરો છો. તેના પુત્રને મીર જાફર કહો છો તમે માતુશ્રીનું પણ અપમાન કરો છો. તમારા એક મુખ્‍યમંત્રીએ તો ત્‍યાં સુધી કહી દીધું હતું કે રાહુલ ગાંધી જાણતા નથી કે તેમના પિતા કોણ છે.'

તમારા વડાપ્રધાન સમગ્ર કુટુમ્‍બનું અપમાન કરે છે. તેઓ કહે છે કે, તે કુટુંબે નહેરૂ અટક જ રાખવી જોઇએ. તેમની ઉપર કોઈ કેસ થતો નથી. તેમને કોઈ સંસદમાંથી બહાર કાઢી મુક્‍તા નથી.

આ બધું શા માટે થાય છે ? કારણ કે અમે લાંબા સમય સુધી મૌન રહ્યાં હતાં. મારા ભાઈએ શું કહ્યું ? તે તો વડાપ્રધાન મોદી સુધી પહોંચી ગયો હતો. અને તેને ભેટી પડયો હતો. તેણે કહ્યું : સૈદ્ધાંતિક મતભેદો હોવા છતાં પરસ્‍પર વચ્‍ચે ધિક્કાર સંભવિત નથી.

તમે અમોને પરિવારવાદી કહો છો. તો ભગવાન શ્રી રામ કોણ હતા ? શું શ્રીરામ અને પાંડવો પરિવારવાદી હતા ? શું તેઓ માત્ર તેમના કુટુમ્‍બનું જ હિત જોતા હતા ? તો પછી અમારાં કુટુમ્‍બે આ દેશ માટે જે બલિદાનો આપ્‍યાં લોહી રેડયું છે તે શું શરમાવા જેવું છે ?

મારો ભાઈતો વિશ્વની બે સૌથી વધુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ભણ્‍યો છે. તમો તેની ડીગ્રીઓ તરફ જોતા નથી પરંતુ તેને મીડીયાની સહાયથી પપ્‍પુ કહો છો. ત્‍યાં તમોને ખબર પડી કે તે પપ્‍પુ નથી. લાખ્‍ખો લોકો તેની સાથે ચાલતા હતા.

તમે જાણો છો કે જે માણસે મારા ભાઈ ઉપર કેસ કર્યો છે તેણે તેની ઉપર થયેલા કેસમાં ગત વર્ષે સ્‍ટે મેળવ્‍યો છે.

આ દેશના વડા પ્રધાન બાયલા છે. તમે મારી ઉપર કેસ કરી શકો. મને જેલમાં પણ મોકલી શકો, તે ઘમંડી છે અને બાયલા છે, અને ઘમંડી રાજાઓને પરાજિત કરવાની તો આપણા દેશની પરંપરા છે. આ કેસ ક્‍યારે ફરી ખુલ્‍યો ? રાહુલ ગાંધીનાં અદાણી સંબંધી વક્‍તવ્‍ય પછી ખુલ્‍યો છે.

મારાં કુટુંબે મને શીખવાડયું છે કે આ દેશ હૃદયમાંથી બોલે છે. આજે મને જાણવા મળ્‍યું છે કે આજના દીવસથી જ પરિસ્‍થિતિ તદ્દન બદલાઈ રહી છે. હું જાણું છું કે મીડીયા ઉપર કેટલું દબાણ થઇ રહ્યું છે, પરંતુ જાગો લોકશાહી ખતરામાં છે. જો સરકાર વિપક્ષના નેતાને આઠ વર્ષ સુધી ચૂંટણી લડવા ન દે તો (તે પરિસ્‍થિતિ) ભયાવહ છે. તેમ પણ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેઓનાં આજ સવારનાં વક્‍તવ્‍યમાં બાપુનાં સમાધી સ્‍થળ રાજઘાટ ઉપર સંકલ્‍પ સત્‍યાગ્રહ દરમિયાન કહ્યું હતું

(3:37 pm IST)