Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

કાલે તાલુકા - જિલ્લા - પાલિકાની ચૂંટણી માટે મતદાન

૩૧ જિલ્લા પંચાયતો - ૨૩૧ તાલુકા પંચાયતો - ૮૧ નગરપાલિકાનો ચૂંટણી જંગ : કુલ ૫૪૮૧ બેઠકો : ૨૨૧૭૦ ઉમેદવારો : મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ : ૨૬૦૦૦થી વધુ પોલીસ તથા SRPની ૬૫ કંપનીઓ સજ્જ : બીજી માર્ચે મતગણતરી

નવી દિલ્હી તા. ૨૭ : ગુજરાતમાં તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આવતીકાલે રવિવારે મતદાન યોજાશે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થશે. ૨ માર્ચે મત ગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં પહેલા તબક્કામાં ૬ મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ. જેમાં ભાજપે બાજી મારી છે અને હવે તાલુકા-જિલ્લા-પાલિકાની ચૂંટણી પ્રચારમાં તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમા ફટકો પડતા કોંગ્રેસ પણ દોડતી થઈ છે. તો બીજી તરફ, જિલ્લા-તાલુકા અને પાલિકામાં ૨૮ તારીખે મતદાન માટે ગુજરાત પોલીસ પણ સજ્જ છે. ચૂંટણી બંદોબસ્ત માટે ૨૬ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને લ્ય્ભ્દ્ગક ૬૫ કંપની તૈનાત કરાયા છે. ૯૭ આંતર રાજય અને ૪૩૭ આંતરિક ચેકપોસ્ટ બનાવાઈ છે, જેથી નજર રાખી શકાય.

૬ મહાનગરપાલિકા પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના બીજા તબક્કામાં પાલિકા અને પંચાયતો માટે આવતીકાલે ૨૮ ફેબ્રુઆરીએ રવિવારે ૫૪૮૧ બેઠકો માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત કુલ ૨૨,૧૭૦ ઉમેદવારો મેદાનમાં છે. શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં ભાજપના મોટા નેતાઓએ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કાનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ભાજપના દિગ્ગજ નેતાઓએ રેલી તથા રોડ શો કરીને મતદારોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.

૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીના મતદાન માટે પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. મતદાન અને મતગણતરી શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસ ખડેપગે ગોઠવાઈ ગઈ છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકારોને માહિતી આપતાં કહ્યું કે, ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પર એસઆરપી તૈનાત રહેશે. સંવેદન અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ સજ્જ રહેશે. આવતીકાલે ૨૬ હજાર કોન્સ્ટેબલ અને ૨૮૦૦ અધિકારી ફરજ બજાવશે. ૧૩ DySP અને ૬૫ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સેન્ટ્રલ પેરામિલેટ્રી ફોર્સની ૧૨ કંપનીઓ ખડેપગે રહેશે. સંવેદનશીલ વિસ્તારની ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી છે અને નાસતા ફરતા ૧૯૮૦ આરોપીને પકડીને લોકઅપ ભેગા કરાયા છે. સૌથી વધુ આરોપીઓ બનાસકાંઠામાંથી પકડાયા છે. ૯૭ આંતર રાજય અને ૪૩૭ આંતરિક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. કોવિડની ગાઈડલાઈનનું પણ પોલીસ કડક પાલન કરાવશે.

બોટાદમાં ૧૪ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. જેના પગલે ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અંગે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં, આ મામલે હાઈકોર્ટે ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો. જેના કારણે હવે બોટાદ જિલ્લા પંચાયતમાં આપ અને ભાજપ વચ્ચે સીધો જંગ જામશે.

જૂનાગઢના કેશોદ ચૂંટણી પહેલા ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. કેશોદમાં ચૂંટણીના પડઘમ બંધ થતાં જ નગરપાલિકા ભાજપના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું. કેશોદ પાલિકાની ચુંટણીને લઇને રાજકીય ભૂકંપ સર્જાયો છે. કેશોદ પાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશભાઇ સાવલિયાએ ભાજપને અલવિદા કહ્યું છે. ૧૯૯૨ થી ભાજપ સંગઠન સાથે રહી ચૂકેલા પ્રમુખે ભાજપમાંથી વિદાય લીધી છે. યોગેશભાઈ સાવલિયાએ ભાજપ શહેરના નવા સંગઠનના હોદ્દેદારો પર ટિકિટની વહેંચણીને લઇને વહીવટી પ્રક્રિયામાં ગોલમાલ કર્યાના આક્ષેપ કર્યા છે. નવા સંગઠનના હોદ્દેદારો પર એસીબી તપાસ ચાલું હોય તેમ છતાં તેમને હોદ્દા અપાતાં પ્રમુખે રોષ વ્યકત કર્યો છે. ધારાસભ્ય સહિત અનેક રાજકીય નેતાઓ અને વેપારીઓએ પ્રમુખને રાજીનામું આપતા રોકવાનો પ્રયાસ કર્યો હતો, છતાં તેમણે પક્ષને રાજીનામુ સોંપ્યું છે.

(10:51 am IST)