Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ચીન સીમાની સ્થિતિ બદલવાનો બિલકુલ પ્રયત્ન ન કરે : ભારત

ડોકલામની ઘટનાને લઇ ચીનને ભારતની ચેતવણીઃ ડોકલામને લઇ વિવાદ છેડી રહેલા ચીનના વ્યવહારથી ભારત ખફા : બીજીંગ સ્થિત ભારતીય રાજદૂતની ચિમકી

બિજિંગ,તા. ૨૭: ડોકલામ સહિત અન્ય સંવેદનશીલ સીમાવર્તી સ્થળોને લઇ બીજીંગની વધતી જતી બેકાર હરકતોને લઇ ભારતે આજે ચીનને સાફ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, સીમા પર પ્રવર્તતી યથાસ્થિતિને બદલવાની ચીન કોશિશ ના કરે, તેને યથાવત્ રહેવા દે. બીજીંગ સ્થિત ભારતીય રાજદૂત ગૌતમ બંબાવલેએ ડોકલામની ઘટનાને લઇ વિવાદ છેડી રહેલા ચીનને ચેતવણી આપતાં આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ડોકલામની ઘટનાને લઇ વધુ વિવાદ ના કરે ચીન. ભારતીય રાજદૂતે ચીન-પાકિસ્તાન આર્થિક ગલિયારા (સીપીઇસી)નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે, બે ટ્રક સીપીઇસી ભારતીય ક્ષેત્રમાંથી પસાર થાય છે અને તેના કારણે અમારી ક્ષેત્રીય અખંડતાનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. આ અમારા માટે મોટી સમસ્યા છે. બંને દેશોએ આ મદ્દે ખુલીને વાતચીત કરવી જોઇએ અને તેનું નિરાકરણ લાવવું જોઇએ. ચીનના સરકારી અખબારને અપાયેલા ઇન્ટરવ્યુમાં બંબાવલે આ ટિપ્પણી કરી હતી. તેમણે ભારત-ચીનની વચ્ચે વધતા જતા વ્યાપારી નુકસાનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, અમે ૨૦ વર્ષોથી માંગ કરી રહ્યા છે કે, ચીન અમારા આઇટી, દવા ક્ષેત્ર માટે પોતાનું બજાર ખોલ પરંતુ ચીન આખરે કેમ તે કરી રહ્યું નથી તે મુદ્દે સ્પષ્ટ વાત કરવી જોઇએ. તેમણે ઉમેર્યું કે, ડોકલામની ઘટના બાદ ભારત-ચીન માટે એ જરૂરી છે કે, વિવાદીત મુદ્દાના નિરાકરણ લાવવા ખુલ્લા દિલથી વાતચીત કરે. પહેલાથી વધુ વાતચીતનો સિલસિલો શરૂ કરે. વાસ્તવમાં ડોકલામની ઘટનાને ચીને જરૂર કરતાં વધુ વિવાદ ચગાવ્યો. ભારત અને ચીનની જનતા અને નેતાઓ એટલા અનુભવી છે કે, દ્વિપક્ષીય સંબંધોના રસ્તામાં આવતી આવી ક્ષણિક મુશ્કેલીઓનો સરળતાથી નિકાલ લાવી દેશે. બંને દેશોએ એકબીજાની ચિંતાઓનો ખ્યાલ રાખવો પડશે. દ્વિપક્ષીય વાર્તા બરાબરી અને એકબીજાના લાભ પર આધારિત હોવી જોઇએ. બંબાવલેએ ભવિષ્યમાં ચીન તરફથી ડોકલામમાં રસ્તા બનાવાશે તેવી આશંકા પણ વ્યકત કરી હતી. સીમા સ્થિતિ અને સંવેદનશીલ જગ્યાઓ પર યથાસ્થિતિ બદલવાના કોઇ પ્રયત્નો થવા ના જોઇએ, સીમા પર યથાસ્થિતિ જાળવી રાખવી ઘણી જરૂરી છે. આ માટે બંને દેશોનું વલણ સ્પષ્ટ હોવું જોઇએ. ઉલ્લેખનીય છે કે, સિક્કિમના ડોકલામમાં ચીની સેના દ્વારા રસ્તો બનાવવાના પ્રયાસ બાદ બંને દેશોની સેના આમને-સામને આવી ગઇ હતી.

(7:07 pm IST)