Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

જેએલએફમાં સેન્સર બોર્ડના પ્રસૂન જોશી સામેલ નહી થાય

પદ્માવત ફિલ્મના વિવાદમાં વધુ એક તિરાડઃ જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ચર્ચા કે વિચારવિમર્શનો હિસ્સો નહી બનવાને લઇ ખુબ દુઃખ રહેશે : પ્રસૂન જોશી

મુંબઈ,તા. ૨૭: પદ્માવત ફિલ્મના વિવાદમાં એક વધુ તિરાડ સામે આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સેન્સર બોર્ડ)ના અધ્યક્ષ પ્રસૂન જોશી આ વર્ષે જયપુર લિટરેચર ફેસ્ટીવલ(જેએલએફ)નો હિસ્સો નહી બને. દેશભરમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેના અને રાજપૂત સમાજના લોકો દ્વારા જલદ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બીજીબાજુ કેટલાક દિવસોથી ચર્ચા ચાલી હતી કે, કરણી સેના અને રાજપૂત સમાજના વિરોધને લઇ પ્રસૂન જોશી જયપુર લિટરેચર ફેસ્ટીવલથી અળગા રહેવા તેવું બને. આખરે સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ પોતે આ વખતના જયપુર લિટરેચર ફેસ્ટીવલમાં નહી જવાના હોવાની વાતને પુષ્ટિ આપી હતી. તેમણે સાથે સાથે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે, પદ્માવત ફિલ્મને ભલામણોના આધારે જ સર્ટિફિકેટ આપવામાં આવ્યુ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સેન્સર બોર્ડ)ના અધ્યક્ષ પ્રસૂન જોશીએ જણાવ્યું હતું કે, આ વખતે હું જયપુર લિટરેચર ફેસ્ટીવલમાં ભાગ લઇ નહી શકું. મને આ વર્ષે સાહિત્ય અને કવિતા પ્રેમીઓની સાથે જેએલએફમાં ચર્ચા અને વિચારવિમર્શ કરવા નહી મળે તે વાતનું દુઃખ રહેશે. જો કે, તેઓ નથી ઇચ્છતા કે, તેમના કારણે સાહિત્યપ્રેમીઓ, આયોજકો અને ત્યાં આવેલા અન્ય લેખકોને કોઇપણ અસુવિધા થાય અને આયોજન તેની મૂળ ભાવનાથી ભટકાઇ જાય. પદ્માવત ફિલ્મના વિવાદ અને સર્ટિફિકેશન આપવા મુદ્દે સ્પષ્ટતા કરતાં સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ ઉમેર્યું કે, પદ્માવત ફિલ્મને લઇ હું એટલું કહેવા માંગુ છું કે, આ ફિલ્મને નિયમો મુજબ, ભલામણોને સામેલ કરીને સકારાત્મક વિચારોની સાથે, ભાવનાઓનું સન્માન કરીને જ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, તેમાં કોઇ પૂર્વગ્રહ કે પક્ષપાત રાખવામાં આવ્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ વાત હોય પરંતુ તેમાં થોડો વિશ્વાસ પણ રાખવો જોઇએ. વિશ્વાસ એકબીજા પર પણ અને આપણી પોતાની બનાવાયેલી પ્રક્રિયાઓ અને સંસ્થાઓ પર પણ. વિવાદોની જગ્યાનું સ્થાન હવે વિચારવિમર્શે લેવું પડશે કે જેથી ભવિષ્યમાં આપણે આ મર્યાદા સુધી જવાની આવશ્યકતા ન રહે. ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલીની વિવાદીત ફિલ્મ પદ્માવતને મંજૂર કરવાના કારણથી સેન્સર બોર્ડના અધ્યક્ષ હોવાના નાતે પ્રસૂન જોશીને રાજપૂત સંગઠનો અને કરણી સેના દ્વારા જયપુર લિટરેચર ફેસ્ટીવલમાં સામેલ નહી થવા અગાઉ ધમકી અપાઇ હતી.

(7:12 pm IST)