Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

આંતરરાષ્ટ્રીય ફલાઈટો પર પ્રતિબંધ ૩૧ ડીસે. સુધી લંબાવાયો

પ્રતિબંધ ૩૧ ડિસેમ્બર સુધી લંબાવી દીધો : ફકત સિલેકટેડ વિમાનોની અવરજવરની પરવાનગી : સ્થિતિ સમાન્ય થવામાં ૨૦૨૪ સુધીનો સમય લાગશે

નવી દિલ્હી, તા.૨૬: કોરોના વાયરસની મહામારીની વચ્ચે ડિરોકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ભારતમાં શેડ્યૂલ આંતરરાષ્ટ્રીય વાણિજિયક ઉડાનોની આવનજાવન પર પ્રતિબંધ ૩૧ ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. પરંતુ વંદે ભારત મિશન અંતર્ગત ચાલનારી ફ્લાઈટો યથાવત રહેશે. આ પહેલા આંતરરાષ્ટ્રીય ઉડાનો પર ૩૦ નવેમ્બર સુધી પ્રતિબંધ હતો. ડીજીસીએના આદેશ અનુસાર ફકત સિલેકટેડ વિમાનોની અવરજવરની પરવાનગી છે.

ધ્યાનમાં રહે કે ભારતમાં કોરોનાની મહામારીને કારણે ૨ મહિનાના વિરામ બાદ ૨૫ મેથી ડોમેસ્ટીક ફ્લાઈટ્સ ફરી શરુ કરવામાં આવી હતી. આ બાદ વિદેશમાં ફસાયેલા પ્રવાસીઓને પાછા લાવવા માટે વંદે ભારત મિશન ચલાવવામાં આવ્યું હતુ અને અનેક દેશોની સાથે એર બબલ કરાર કરવામાં આવ્યા હતા. ભારતીય એરલાઈન્સને પૂર્વ કોવિડ -૧૯ ડોમેસ્ટિક ફ્લાઈટના મોટા ભાગના ૬૦ ટકા સંચાલનની પરવાનગી છે.

એર કંપનીઓના International Air Transport Associationના સીઈઓ એલેકઝેન્ડર ડી જુનિયાકે કહ્યું હતું કે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે રેવેન્યૂ પેસેન્જર કિલોમીટર (રાજસ્વ પ્રવાસી કિલોમીટર) પોતાની ૨૦૧૯ની સ્થિતમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં પાછા ફરશે. તેમણે કહ્યું કે જો વાયરસ પર નિયંત્રણ મેળવવામાં કે વેકસીન વિકસિત કરવામાં આપણે સફળ ન થયા તો આ સમય આગળ ધકેલાઈ શકે છે.

(3:28 pm IST)