Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

કોરોનાના બંધનો વચ્ચે આજથી લગ્નબંધનો શરૂ

ઓછા મુહૂર્ત વચ્ચે કર્ફયુને કારણે નવેમ્બર -ડિસેમ્બરમાં લગ્ન લેનારા અટવાયા : ફેબ્રુઆરીમાં લગ્ન લેવા કે નહીં તેની દ્વીધાઃ મુહૂર્ત ઓછાને માથાકૂટ ઝાઝી : નવી સિઝનમાં નવેમ્બરમાં ૨, ડિસેમ્બરમાં ૩, ફેબ્રુઆરીમાં ૨, એપ્રિલમાં ૬ લગ્ન મુહૂર્ત

નવી દિલ્હી,તા. ૨૬: હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતી દેવઊઠી એકાદશી, તુલસી વિવાહ પ્રસંગની રંગારંગ ઉજવણી સાથે જ આજથી લગ્નસરાની નવી સિઝનનો શુભારંભ થશે. છેલ્લા પાંચ માસથી ચાતુર્માસને પગલે લગ્ન સહિતના શુભ કાર્યો પર રોક લાગી ગઇ હતી. નવી સિઝનના આરંભ સાથે જ લગ્ન આયોજનોને પગલે શહેરમાં ફરીવાર ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરિંગ સહિતના વ્યવસાયમાં હલચલની રાહ જોવાઈ રહી હતી. જોકે, કોરોના સંક્રમણની ભીતિ, રાત્રિ કરફ્યૂ સહિતનાં કારણોને પગલે લગ્નસરાની નવી સિઝન અનેક પળોજણ લઇને આવી છે. ખાસ કરીને લગ્નસરાની નવી સિઝનમાં ઓછા મુહૂર્તની બુમરાણ પહેલેથી જ મચેલી છે ત્યારે હવે કોરોનાએ ચિંતામાં અનેકગણો વધારો કરી દીધો છે.

દેવપોઢી એકાદશીથી દેવઊઠી એકાદશી સુધીના સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં પોઢી જતાં હોય લગ્ન કાર્યો થતા નથી. જયારે દેવઊઠી એકાદશી સાથે ચાતુર્માસ સમાપ્તિ થશે. તુલસી વિવાહ આરંભ થશે. ગુરુવારે સવારે ૫.૧૨ વાગ્યે વિધિવત હિન્દુ ચાતુર્માસની સમાપ્તિ થશે. લગ્ન સહિતના લૌકિક કાર્યોનો આરંભ થશે. જોકે, સરકારી તંત્રએ રાત્રિ કરફ્યૂ અને લગ્ન આયોજનોમાં ૧૦૦ મહેમાન સહિતના વિવિધ પ્રતિબંધો મૂકી દેતાં નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન લેનારા અટવાયા છે. એટલું જ નહીં, પ્રવર્તમાન સંજોગોને જોતાં આગામી ફેબ્રુઆરી માસમાં મુહૂર્તમાં લગ્ન લેવા કે નહીં એ ચિંતા પણ સૌને સતાવી રહી છે. બીજી બાજુ ચાલુ વર્ષે લગ્નસરાની સિઝનમાં પહેલેથી જ મુહૂર્ત ઓછા છે ત્યારે આ પ્રકારે કોરોના સંદભ વિવિધ પ્રતિબંધોથી અનેક આયોજનો અટવાઇ ગયા છે.

મુહૂર્ત પર નજર કરીએ તો જયોતિષાચાર્ય ડો. હરીશ જોશીએ જણાવ્યું હતું કે, નવેમ્બર માસમાં ૨૭ અને ૩૦, ડિસેમ્બર માસમાં ૭, ૮ અને ૯ એમ માત્ર પાંચ લગ્નમુહૂર્ત છે. ૧૫ ડિસેમ્બરના રોજ રાત્રિએ ૯.૩૩ વાગ્યે સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશ કરતાં જ ધનારક એટલે કે કમુરતાં શરૂ થશે. ૧૪ જાન્યુઆરીના રોજ સવારે ૮.૧ ૬ વાગ્યે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરતા કમુરતા પૂરા થશે. આ એક માસના કમુરતા દરમિયાન મહદઅંશે લગ્ન વર્જીત માનવામાં આવે છે. જોકે, કેટલાક સમુદાયમાં આ દિવસોમાં પણ લગ્નો લેવાય છે. બીજી બાજુ ૧ ૪ જાન્યુઆરીએ ભલે કમુરતા પૂરા થાય, પરંતુ ૧૯ જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી ગુરુનો અસ્ત હોય કરી મુહૂર્ત મળશે નહીં. ફેબ્રુઆરીમાં માત્ર ર મુહૂર્ત બાદ શુક્રનો અસ્ત અને હોળાષ્ટક હોવાને કારણે માર્ચ માસમાં એકેય મુહૂર્ત નથી. ત્યારબાદ એપ્રિલમાં ૬, મે માસમાં ૧૧, જૂન માસમાં ૧૦ અને જુલાઇ માસમાં ૪ મુહૂર્ત છે. આમ. લગ્નસરાની ૮ માસની સિઝનમાં માત્ર ૩૮ જ મુહૂર્ત હોય આયોજનો સંબંધિત મુશ્કેલીઓ જોવા મળશે.

લગ્નસરાની શરૂ થયેલી નવી સિઝનમાં મુહૂર્તની સ્થિતી પર એક નજર

નવેમ્બર માસમાં ર૭, ૩૦. ડિસેમ્બર માસમાં ૭, ૮, ૯ તારીખે લગ્નમુહર્ત છે. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ૧૫, ૧૬ના રોજ મુહૂર્ત છે. દોઢ મહિનાના વિરામ પછી એપ્રિલ માસમાં ૬. મે માસમાં ૧૧, જૂન માસમાં ૧૦ અને જુલાઇમાં ૪ મુહર્ત છે. એપ્રિલમાં  ૨૪, ૨૫, ૨૬, ૨૮, ર૯, ૩૦ તારીખે, મે માસમાં ૧, ૪, ૮, ૨૦, ૨૧, ૨૨, ૨૪, ૨૬, ૨૮, ૩૦, ૩૧મી તારીખે, જૂન માસમાં ૪, ૬, ૧૫, ૧૬, ૧૯, ૨૦. ર૧, ૨૪, ર૬, ર૮મી તારીખે અને જુલાઇ માસમાં ૧, ૨, ૩. ૧૩ તારીખે લગ્નમુહર્ત છે. ત્યારબાદ દેવશયની એકાદશી શરૂ થવાની સાથે જ લગ્નસરાની સિઝન પર પૂર્ણવિરામ મુકાઇ જશે.

પાર્ટી પ્લોટમાં આયોજિત લગ્નો હવે નાનકડા હોલમાં કે ઘરના બારણે

સરકારી તંત્રએ અચાનક રાત્રિ કરફયુ મૂકી દેતાં લગ્નના મોટા ભાગના આયોજનો અટવાઇ ગયા છે. એટલું જ નહીં. હાલમાં નવેમ્બરના અંતિમ બે દિવસમાં કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં થયેલા આયોજનોનું સ્થળ. સમય બદલી નાંખવામાં આવ્યો છે. અગાઉ પાર્ટીપ્લોટ બુકિંગ કરાવનારા અનેક પરિવારોએ હવે સોસાયટીના, સમાજના કે પછી નજીકના વિસ્તારમાં આવેલા નાનકડા હોલમાં અથવા તો દારના બારણે જ લગ્ન કરવાનું મુનાસિબ માન્યું છે. આ સાથે જ મહેમાનોની સંખ્યામાં ઘટાડો થઇ જતાં હવે માત્ર નજીકના સંબંધીઓને આમંત્રણ આપવાનું મુનાસિબ માણી રહ્યા છે.

 

(9:45 am IST)
  • કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબ મુફ્તીને ઝટકો : પીડીપી પાર્ટીના ત્રણ નેતાઓએ રાજીનામુ આપ્યું : ધમન ભસીન ,ફલૈલ સિંહ ,તથા પ્રીતમ કોટવાલે પાર્ટી સાથે છેડો ફાડ્યો access_time 1:36 pm IST

  • શ્રીનગરમાં આતંકી હુમલો : બે જવાન શહીદ : આતંકવાદીઓએ શ્રીનગરમાં ફરી હુમલો કર્યો છે : આ હુમલામાં બે જવાન શહીદ થયા છે : જયારે એક જવાન ઘાયલ થયા છે access_time 4:04 pm IST

  • ખેડૂતોની રેલી નીકળનાર હોય હરિયાણા સાથે જોડાયેલ સિંધુ બોર્ડર નજીક દિલ્હી પોલીસ એલર્ટ access_time 4:03 pm IST