Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે ઝેડ પ્લસ સુરક્ષા માંગી

પશુપતિ કુમારે ગૃહમંત્રીને પત્રમાં લખ્યુ કે, રાજકીય ષડયંત્રને કારણે તેનો જીવ જોખમમાં

નવી દિલ્હી :  લોક જનશક્તિ પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે ગૃહમંત્રી અમિતભાઈ  શાહને પત્ર લખી ઝેડ પ્લસ સુરક્ષા માટે વિનંતી કરી છે. પશુપતિ કુમારે પત્રમાં લખ્યુ હતુ કે, રાજકીય ષડયંત્રને કારણે તેનો જીવ જોખમમાં છે. તેમણે ગૃહમંત્રીને ‘ઝેડ પ્લસ’ સુરક્ષા આપવા વિનંતી કરી છે. સુત્રોના અનુસાર, પારસને ગુરુવારે ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પારસે ચિરાગ પાસવાન પર મોટો હુમલો કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે ચિરાગે તેમના પિતા રામવિલાસ પાસવાનને બળજબરીથી રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હટાવ્યા હતા, જ્યારે તેઓ છોડવાની ઈચ્છા ધરાવતા ન હતા. બિહારના પ્રદેશ પ્રમુખ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન પાર્ટીનું પ્રદર્શન ઘણું સારું હતું, પરંતુ ચિરાગે મને પ્રમુખ પદ પરથી પણ હટાવી દીધો. મારો શું દોષ હતો કે મને આ સજા મળી. ગંભીર આક્ષેપો કરતી વખતે પાસવાને કહ્યું કે ચિરાગે મને કાકા તરીકે સ્વીકારવાનો ઈન્કાર કર્યો અને મને કહ્યું કે અમારા બંનેનું લોહી સરખું નથી. હું હવે ચિરાગ સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી.

પશુપતિએ કહ્યું કે ચિરાગે નીતિશ કુમારને વિકાસ પુરુષ કહેવા બદલ મને પાર્ટીમાંથી હાંકી કાવાની ધમકી પણ આપી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ગયા વર્ષે યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચિરાગે મને કહ્યું હતું કે અમારે મુખ્યમંત્રી નીતીશ કુમારને જેલમાં મોકલવા પડશે. મેં વિરોધ કર્યો અને કહ્યું કે તેણે એવું શું કર્યું છે કે તમે તેને જેલમાં મોકલી દેશો. પાર્ટીના તમામ સાંસદોનો મત છે કે એનડીએ સાથે ચૂંટણી લડવી જોઈએ પરંતુ તેણે કોઈનું સાંભળ્યું નહીં અને બધાને બાજુ પર રાખ્યા.

(11:59 pm IST)