Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

તાલિબાને પાકિસ્તાનને પોતાનું બીજું ઘર ગણાવ્યું : ભારત અફઘાન લોકોના હિતો પ્રમાણે જ પોતાની નીતિઓ બનાવે

કાશ્મીરને લઈને ભારતે સકારાત્મક વલણ અપનાવવાની જરૂર: બંને દેશોએ બેસીને સમસ્યાઓનું સમાધાન લાવવું જોઈએ

નવી દિલ્હી :  તાલિબાને પાકિસ્તાનને પોતાનું બીજું ઘર ગણાવ્યું છે. તાલિબાનના એક પ્રવક્તાએ બુધવારે કહ્યું કે, તાલિબાન માટે પાકિસ્તાન બીજા ઘર સમાન છે અને તે પાડોશી દેશની સાથે વ્યાપારિક અને રણનીતિક સંબંધ મજબૂત કરવા માગે છે. તાલિબાન પ્રવક્તા ઝૈબુલ્લાહ મુજાહિદે ભારતની સાથે પણ સારા સંબંધની વકીલાત કરી પરંતુ સાથે જ ભારતને એક સલાહ પણ આપી. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ એઆરવાઈ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં તાલિબાનના પ્રવક્તા મુજાહિદે કહ્યું કે, પાકિસ્તાનની સાથે અફઘાનિસ્તાનની સીમાઓ જોડાયેલી છે. જ્યારે ધર્મની વાત આવે છે તો અમે પારંપરિકરીતે એકબીજા સાથે સંકળાયેલા છીએ. બંને દેશોના લોકો એકબીજા સાથે સરળતાથી હળીમળી જાય છે આથી અમે પાકિસ્તાનની સાથે પોતાના સંબંધોને હજુ વધુ મજબૂત બનાવવા માગીએ છીએ.

મુજાહિદે એવુ પણ કહ્યું કે, અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણમાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી. તેમણે કહ્યું કે, પાકિસ્તાને ક્યારેય પણ તેમના આંતરિક મામલામાં ચંચુપાત નથી કરી. ભારત સાથે સંબંધને લઈને મુજાહિદે કહ્યું, ભારત આ વિસ્તારનો મહત્ત્વનો હિસ્સો છે અને અમે ભારત સહિત તમામ દેશોની સાથે સારા સંબંધો બનાવવા માગીએ છીએ. અમારી માત્ર એટલી જ ઈચ્છા છે કે, ભારત અફઘાન લોકોના હિતો પ્રમાણે જ પોતાની નીતિઓ બનાવે.

મુજાહિદે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, તાલિબાન કોઈપણ દેશ વિરુદ્ધ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ નહીં થવા દેશે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ પર મુજાહિદે કહ્યું કે, બંને દેશોએ બેસીને સમસ્યાઓનું સમાધાન લાવવું જોઈએ, કારણ કે બંને પાડોશી દેશ છે અને બંનેના હિત એકબીજા સાથે સંકળાયેલા છે. તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે, કાશ્મીરને લઈને ભારતે સકારાત્મક વલણ અપનાવવાની જરૂર છે. અફઘાનિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટના ઉભારની આશંકા પર તાલિબાન પ્રવક્તાએ કહ્યું, અમે પહેલા પણ કહ્યું છે કે, અમે પોતાની ધરતીનો ઉપયોગ કોઈ અન્ય દેશ વિરુદ્ધ નહીં થવા દઈશું. આ અંગે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે. અફઘાનિસ્તાનમાં ISIની હાજરી નથી.

ગત અઠવાડિયે અમેરિકા અને આઈએમએફે અફઘાનિસ્તાનને આપવામાં આવતી મદદ પર પ્રતિબંધ લગાવી દીધો. અમેરિકામાં અફઘાનિસ્તાનની તમામ સંપત્તિઓને પણ ફ્રીઝ કરી દેવામાં આવી છે. એવામાં, તાલિબાન સરકાર કઈ રીતે ચલાવશે? આ સવાલના જવાબમાં તાલિબાનના પ્રવક્તાએ કહ્યું, અમે હજુ સુધી સરકારને લઈને નિર્ણય નથી કર્યો. સરકારના ગઠન બાદ જ નક્કી થશે કે દેશની અર્થવ્યવસ્થાને કઈ રીતે ચલાવવાની છે. મુજાહિદે કહ્યું કે, તાલિબાનની સરકાર બેંકિંગ અને ટેક્સ વ્યવસ્થાને શરૂ કરશે અને કૃષિ-વ્યાપાર દ્વારા દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે. ફ્રીઝ અથવા જપ્ત કરવામાં આવેલા રિઝર્વ અને ફંડને છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અમે અફઘાનિસ્તાનમાં એવી સરકાર ઈચ્છીએ છીએ જે ઈસ્લામ પર આધારિત હોય અને મજબૂત હોય. આ સરકારમાં તમામ અફઘાન હિસ્સો લેશે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ અને એક મજબૂત અને સ્થિર સરકાર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

(11:28 pm IST)