Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને મુઘલોને 'અસલી રાષ્ટ્ર નિર્માતા' ગણાવ્યા

કબીરખાને કહ્યું - તેમણે લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું, તેમણે તે કર્યું ને તેમણે એ કર્યું. તમે આ કયા આધારે કહી રહ્યા છે?

મુંબઈ :  'એક થા ટાઇગર' તથા 'બજરંગી ભાઇજાન' જેવી સુપરહિટ ફિલ્મના ડિરેક્ટર કબીર ખાન પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. અફઘાનિસ્તાનની સ્થિતિ પર કબીર ખાને એક ઇન્ટરવ્યૂમાં મુઘલોને અસલી 'રાષ્ટ્ર નિર્માતા' કહ્યા હતા. આટલું જ નહીં તેમણે ફિલ્મમાં મુઘલોને હત્યારા બતાવવા પર પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું, 'મને આ વાત હંમેશાં હેરાન-પરેશાન કરતી હોય છે.

કમનસીબે આ માત્ર એક લોકપ્રિય ધારણાને કારણે કરવામાં આવે છે.' જોકે, કબીર ખાને એમ પણ કહ્યું હતું કે તે પોતાના સબ્જેક્ટ અંગે ઘણું જ રિસર્ચ કરે છે. ખાસ વાત પર ફોકસ કરે છે. આથી અલગ અલગ અભિપ્રાય તથા દૃષ્ટિકોણ આપી શકે.

વેબ પોર્ટલ બોલિવૂડ હંગામાને આપેલા ઇન્ટરવ્યૂમાં કબીર ખાને કહ્યું હતું, 'જો તમે ફિલ્મમાં મુઘલોને ખોટા બતાવવા માગો છો તો પ્લીઝ, આ માટે પહેલાં રિસર્ચ કરો અને કોઈ નક્કર પુરાવા પર જ આવું બતાવો. અમને વિશ્વાસ અપાવો કે આ સાચું કેમ છે? બતાવો કે તમે જેવું વિચારો છો, અસલમાં તે વિલન કેમ છે. જો તમે ઈતિહાસ વાંચશો તો તમારા માટે એ સમજવું મુશ્કેલ થઈ પડશે કે આખરે તેમને વિલન કેમ બનાવવામાં આવે છે. મને લાગે છે કે તે અસલી રાષ્ટ્ર નિર્માતા હતા અને માત્ર કહેવા માટે કે લખવા માટે એ કહી દેવું કે ના, ના, ના તે હત્યારા હતા. તેમણે લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું, તેમણે તે કર્યું ને તેમણે એ કર્યું. તમે આ કયા આધારે કહી રહ્યા છે? પ્લીઝ કોઈ ઐતિહાસિક પુરાવા બતાવો. પ્લીઝ આના પર ખુલ્લી ચર્ચા કરો.'

કબીર ખાને ફિલ્મમાં મુઘલના ચિત્રણ પર નારાજગી પ્રગટ કરતાં કહ્યું હતું, 'બસ જે કંઈ પણ કહેવામાં આવે છે, તે લોકપ્રિય છે. તે વિચારની સાથે આગળ ના વધો. આજના સમયે આ સૌથી સરળ કામ છે. ખરું ને? ભારતના ઈતિહાસમાં અલગ અલગ જગ્યાએ મુઘલો તથા અન્ય અનેક મુસ્લિમ શાસકોને ખોટી રીતે બતાવવા, તેમના અંગે પૂર્વગ્રહથી ભરેલી વાતનો મનાવવાનો પ્રયાસ કરવો એ ઘણું દુઃખદ છે. હું આવી ફિલ્મનું સન્માન કરી શકતો નથી. જોકે, દુર્ભાગ્યથી આ મારો પોતાનો વિચાર છે. હું વિશાળ દર્શક વર્ગ અંગે બોલી શકું તેમ નથી, પરંતુ હું નિશ્ચિત રીતે તેમની આ રીતની ઇમેજ જોઈને દુઃખી થઈ જાઉં છું.

બોલિવૂડમાં 'પદ્માવત'થી લઈ 'તાન્હાજી' તથા 'પાનીપત'માં મુઘલોને બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં મુઘલોને વિલન તરીકે બતાવ્યા છે. આ તમામ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરી હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. 'તાન્હાજી' રિલીઝ થયા બાદ સૈફે કહ્યું હતું કે ફિલ્મની વાર્તામાં જે બતાવવામાં આવ્યું છે, તેમાં તમામ તથ્યો સાચા નથી.

ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે વેબ સિરીઝ 'ધ એમ્પાયર' રિલીઝ થવાની છે. આ વેબ સિરીઝ મુઘલ એમ્પાયર બાબર પર આધારિત છે. કબીર ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો સ્પોર્ટ્સ ડ્રામા '83' કોરોનાને કારણે હજી સુધી રિલીઝ થઈ શકી નથી.

(11:12 pm IST)