Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

યુપીમાં આ સમયે મુસલમાન હોવું જ સૌથી મોટો ગુનો : કમનસીબે હું મુસલમાન છું : મારું પણ એનકાઉન્ટર કરી દો: મુનવ્વર રાણા

દિકરાની ધરપકડ બાદ જાણીતા શાયર મુનવ્વર રાણાએ ચોંકાવનારું નિવેદન આપ્યું

લખનૌ :  પોતાના દિકરાની ધરપકડ બાદ મુનવ્વર રાણાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં આ સમયે મુસલમાન હોવું જ સૌથી મોટો ગુનો છે અને કમનસીબે હું મુસલમાન છું

તબરેજ રાણાને પોતાના કાકાને નકલી ફાયરિંગ કેસમાં ફસાવવા માટે રાયબરેલી પોલીસે લખનઉથી ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ મુનવ્વર રાણાએ કહ્યું કે, જો પોલીસમાં દમ છે તો મારુ પણ એનકાઉન્ટર કરી દે અને મારા દિકરાની ધરપકડ થઇ તો સરકારે મને પણ મંત્રી બનાવવો જોઇએ.

આ પહેલીવાર નથી કે શાયરે ઉત્તરપ્રદેશ પોલીસ પર આરોપ લગાવ્યા છે. જ્યારે પોલીસે તબરેજને પકડવા માટે તેમના ધરે દરોડા પાડ્યા હતા ત્યારે પણ તેમણે કહ્યું કે આ પ્રકારની પરિસ્થિતિમાં જો મારુ મોત થઇ જાય છે તો તેની જવાબદાર કાનપુર પોલીસ રહેશે. 
મુનવ્વરે થોડા દિવસ પહેલા તાલિબાનની તુલના મહર્ષિ વાલ્મિકી સાથે કરી હતી. જેને લઇને લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં શાયર વિરુદ્ધ કેસ નોંધાયો હતો.

મુનવ્વર રાણાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં પણ થોડા તાલિબાની છે. અહી માત્ર મુસલમાન નહી પરંતુ હિન્દુઓ પણ તાલિબાની હોય છે. આતંકવાદી શું મુસલમાન હોય છે? હિન્દુ પણ હોય છે. મહાત્મા ગાંધી સીધા હતા અને નાથૂરામ ગોડસે તાલિબાની હતો. યુપીમાં પણ તાલિબાન જેવું કામ થઇ રહ્યું છે. 

શાયરે કહ્યું કે, હિન્દુસ્તાને તાલિબાનથી ડરવાની જરૂર નથી કારણકે અફઘાનિસ્તાને ક્યારેય હિન્દુસ્તાનને નુકસાન નથી પહોંચાડ્યું. જ્યારે મુલ્લા ઉમરની હુકુમત હતી ત્યારે પણ તેણે કોઇ હિન્દુસ્તાનીને નુકસાન નહોતું પહોંચાડ્યું કારણકે તેના બાપ દાદા હિન્દુસ્તાનથી કમાઇને લઇ ગયા હતા.

મુનવ્વર રાણાએ કહ્યું, જેટલી AK47 તાલિબાનીઓ પાસે નથી તેટલી તો હિન્દુસ્તાનમાં માફીયા પાસે છે. તાલિબાની તો હથિયાર છીનવીને અને માંગીને લાવે છે પરંતુ આપણા ત્યાં તો માફીયા ખરીદે છે.

(10:29 pm IST)