Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

પાક.માં ઘૂસવાની ફિરાકમાં લોકોની અફઘાન સરહદે ભીડ

અફઘાન-પાકિસ્તાન સરહદ પરનો વીડિયો વાયરલ : સ્પિન-બોલદાક સરહદ પર લોકો દરવાજો ખુલે તેની રાહ જોઈ રહ્યા છે જેથી પાકિસ્તાનમાં જઈને રહી શકે

કરાંચી, તા.૨૬ : અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ ખાતે દેશ છોડવા માટે આતુર લોકોએ વિમાન પકડ્યું તેની તસવીરો સામે આવી તો સમગ્ર વિશ્વ ચોંકી ઉઠ્યું હતું. અફઘાનિસ્તાનમાંથી મોટી સંખ્યામાં લોકો બહાર ભાગી રહ્યા છે. બધા વચ્ચે વધુ એક તસવીર સામે આવી છે જે હાલ કેટલું મોટું સંકટ વ્યાપેલું છે તેમ દર્શાવે છે.

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર હજારો અફઘાની નાગરિકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે પાકિસ્તાનમાં ઘૂસવા ઈચ્છે છે. વીડિયો સ્પિન-બોલદાક સરહદનો છે. ત્યાં સરહદ પર લોકો દરવાજો ખુલે તેની રાહ જોઈ રહ્યા છે જેથી પાકિસ્તાનમાં જઈને રહી શકે.

નાતિક નામના એક પત્રકારે વીડિયો ટ્વીટ કર્યો છે. તેમણે જણાવ્યું કે, કાબુલ એરપોર્ટ નહીં પણ સ્પિન બોલદાક સરહદ છે જ્યાં હજારો લોકો ઉપસ્થિત છે જે અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાન જવા ઈચ્છે છે. અહીં કાબુલ એરપોર્ટ કરતા પણ વધુ ખરાબ સ્થિતિ છે. પરંતુ અહીં કોઈ વિદેશી સેના તૈનાત હોવાથી કોઈનું તેના પર ધ્યાન નથી જઈ રહ્યું.

ઉલ્લેખનીય છે કે, જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ શરૂ થયું છે ત્યારથી મોટી સંખ્યામાં લોકો ત્યાંથી ભાગી રહ્યા છે. કાબુલથી સતત ફ્લાઈટ ઉડી રહી છે જેના દ્વારા અફઘાની નાગરિકો અને વિદેશી નાગરિકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે.

અમેરિકાના અહેવાલ પ્રમાણે ૧૫મી ઓગષ્ટથી અત્યાર સુધીમાં આશરે ૮૦,૦૦૦ કરતા વધારે લોકોએ વિમાન દ્વારા દેશ છોડી દીધો છે. અમેરિકા ઉપરાંત નાટો દેશ પણ પોતાના નાગરિકો અને અફઘાની નાગરિકોને ત્યાંથી કાઢી રહ્યા છે. ભારત દ્વારા પણ રેસ્ક્યુ મિશન ચલાવાઈ રહ્યું છે.

પાકિસ્તાન અફઘાનિસ્તાનની પાડોશમાં આવેલું છે અને બંનેની સરહદ એકદમ અડીને હોવાથી પાકિસ્તાન પર અફઘાની નાગરિકોનો વધુ ભાર પડી રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે આશરે ૧૪ લાખ કરતા વધારે અફઘાની નાગરિકોએ હાલ પાકિસ્તાનમાં શરણ લીધેલું છે.

(8:35 pm IST)