Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

પ.બંગાળમાં હિંસાના મુદ્દે CBIએ નવ કેસ દાખલ કર્યા

પ. બંગાળમાં ચૂંટણી બાદની હિંસાને લઈને કાર્યવાહી : કોલકાતા હાઈકોર્ટે બંગાળમાં યોજાયેલી ચૂંટણી બાદના કથિત દુષ્કર્મ,હત્યાના કેસની તપાસ સીબીઆઈને સોંપી

નવી દિલ્હી, તા.૨૬ : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા મુદ્દે ગુરૂવારે સીબીઆઈએ ભારે મોટી કાર્યવાહી કરી છે અને કેસ દાખલ કર્યા છે. જાણવા મળ્યા મુજબ સીબીઆઈના તમામ એકમ કોલકાતાથી પોતાની ટીમોને સંબંધિત અપરાધ સ્થળો પર મોકલી રહી છે. ઉપરાંત વધુ કેટલાક કેસ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે અને તે પૈકીના અમુક કેસ રાજ્ય સરકારે સોંપ્યા છે. કોલકાતા હાઈકોર્ટની સદસ્યોની પીઠે વર્ષની શરૂઆતમાં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદના કથિત દુષ્કર્મ અને હત્યાના કેસની તપાસ સીબીઆઈને સોંપી છેગત ૧૯ ઓગષ્ટના રોજ કોલકાતા હાઈકોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ભારે મોટો આંચકો આપીને ચૂંટણી બાદ થયેલી હિંસાની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી. હાઈકોર્ટે આદેશ આપતા કહ્યું હતું કે, સીબીઆઈ કોર્ટના મોનિટરિંગમાં તપાસ કરશે. હાઈકોર્ટે કહ્યું હતું કે, હત્યા અને દુષ્કર્મના કેસની તપાસ સીબીઆઈ કરશે, જ્યારે અન્ય કેસની તપાસ એસઆઈટી કરશે.

માનવાધિકાર આયોગની તપાસ કમિટીએ પોતાના રિપોર્ટમાં મમતા બેનર્જી સરકારને દોષી માની હતી. આયોગે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, દુષ્કર્મ અને હત્યા જેવા કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવે અને કેસની સુનાવણીઓ બંગાળની બહાર થાય. જ્યારે અન્ય કેસની તપાસ એસઆઈટી દ્વારા કરાવવી જોઈએ.

(7:24 pm IST)