Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

બંગાળી એક્ટ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાંએ પુત્રને જન્મ આપ્યો

સવારે જ હોસ્પિટલથી એક તસવીર શેર કરી: માતા-દીકરો બન્ને સ્વસ્થ: બાળક 2.9 કિલોનું છે

કોલકતા : બંગાળી એક્ટ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં હતી. નુસરત જહાંએ પુત્રને જન્મ આપ્યો છે.
નુસરત જહાએ આજે સવારે જ હોસ્પિટલથી એક તસવીર શેર કરી હતી અને ખુદ માટે સકારાત્મકતાની વાત કરી હતી. તસવીર કેપ્શનમાં લખ્યુ છે- ડર ઉપર વિશ્વાસ. #Positivity #Morningvibes આ સાથે જ તેણે એક રેડ હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કરી છે.

કોલકાતાથી સામે આવેલી જાણકારી અનુસાર ટીએમસી સાંસદ નુસરત જહાંએ પુત્રને જન્મ આપ્યો છે. હોસ્પિટલના સુત્રો અનુસાર માતા-દીકરો બન્ને સ્વસ્થ છે. બાળક 2.9 કિલોનું છે અને અત્યારે તબીબની નજરમાં છે.

નુસરત જહાંએ જૂન 2019માં બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. આ ડેસ્ટિનેશન વેડિંગની કેટલીક તસવીરો સામે આવી હતી પરંતુ એક વર્ષની અંદર જ બન્નેના છુટાછેડાના સમાચાર સામે આવ્યા હતા. એવામાં નુસરતે એક નિવેદન જાહેર કરીને પોતાના લગ્નને ગેરકાયદેસર ગણાવ્યા હતા. નુસરતે કહ્યુ હતું કે તે અલગ રહે છે અને પ્રેગનન્ટ છે.

જ્યારે નુસરત જહાંના પ્રેગનન્ટ થવાનો ખુલાસો થયો ત્યારે સોશિયલ મીડિયા પર વિવાદ થયો હતો. કેટલાક યૂઝર્સે તો તેમની પર સવાલ કરવાનું પણ શરૂ કરી દીધુ કે આ બાળક કોનો છે. આ વચ્ચે નુસરત જહાંના બંગાળી અભિનેતા યશ દાસગુપ્તાને ડેટ કરવાના સમાચાર ચર્ચામાં રહ્યા હતા. જોકે, બન્ને તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નહતી.

નિખિલ જૈને પોતાના નિવેદનમાં કહ્યુ હતું કે તે અને નુસરત નવેમ્બર 2020થી સાથે નથી. નુસરત, નિખિલનું ઘર છોડીને કોલકાતામાં પોતાના ઘરે આવી ગઇ હતી. આ વચ્ચે યશ દાસગુપ્તા સાથે જયપુર અને અજમેર દરગાહ શરીફમાં તે જોવા મળી હતી. તે બાદ નુસરતની બેબી બંપ સાથે તસવીર વાયરલ થઇ હતી

(4:20 pm IST)