Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

સાંસદ નુસરત જહાંએ પુત્રને જન્મ આપ્યો

કોલકાતા, તા.૨૬: બંગાળી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને લોકસભા સાંસદ નુસરત જહાંએ પુત્રને જન્મ આપ્યો છે.  હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે. અત્રે જણાવવાનું કે નુસરત જહાંએ ડિલિવરીના ગણતરીના કલાકો પહેલા પોતાની એક તસવીર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે 'ડર પર વિશ્વાસ'.

બંગાળી ફિલ્મ અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ પતિ નિખિલ જૈન સાથે બગડેલા સંબંધો વિશે નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા હતા.

નુસરત જહાં બંગાળી ફિલ્મોના અભિનેતા અને બીજેપી નેતા યશ દાસગુપ્તાને ડેટ કરી રહી છે. બંને સાથે રાજસ્થાન ફરવા પણ ગયા હતા. અને હાલમાં ૨૪ તારીખે બંનેએ એકસરખા ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જોકે નુસરતના બાળકનો પિતા કોણ છે તે અંગે બંનેમાંથી કોઈએ હજુ સુધી કોઈ જ નિવેદન આપ્યું નથી.

નુસરત જહાંએ ૨૦૧૯માં બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. જોકે ગયા વર્ષથી નુસરત પોતાના પતિથી અલગ રહેતી હતી. અને તેણે પોતાના લગ્નને પણ માનવાનો ઈનકાર કર્યો હતો. નિખિલે પણ નુસરતના આ બાળકને પોતાનું માનવાનો ઈનકાર કરી દીધો હતો. કેમ કે છેલ્લાં ૬ મહિના કરતાં વધારે સમયથી બંને સાથે રહેતા ન હતા.

(3:46 pm IST)