Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

તાલિબાન મુદ્દે 'વેઇટ એન્ડ વોચ' મોડમાં છે ભારત : સર્વદળીય બેઠકમાં સરકારે સમજાવી રણનીતિ

તમામ રાજકીય દળોએ અફઘાનિસ્તાનથી ભારતીયોને કાઢવા પ્રયત્નોની પ્રશંસા કરી : અફઘાનિસ્તાનમાં ભારત સરકારના હેલ્પ ડેસ્ક પર આશરે ૧૫ હજાર લોકોએ સંપર્ક કર્યો

નવી દિલ્હી, તા.૨૬: ભારત સરકારે ગુરૂવારે અફદ્યાનિસ્તાન મુદ્દે સર્વદળીય બેઠક યોજી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરની આગેવાનીમાં વિદેશ મંત્રાલયની ટીમે તમામ રાજકીય દળોના ફ્લોર લીડર્સને અફદ્યાનિસ્તાનની સ્થિતિની જાણકારી આપી હતી. સરકારે જણાવ્યું હતું કે, હાલ તેઓ વેઈટ એન્ડ વોચ મોડમાં છે પરંતુ મુખ્ય ફોકસ લોકોને ત્યાંથી કાઢવા પર છે.

સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે વિદેશ મંત્રી એસ. જયશંકરે બેઠકમાં જણાવ્યું કે, અફદ્યાનિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેવામાં ભારતનું ફોકસ પોતાના લોકોને જલ્દી બહાર કાઢવા પર છે. તાલિબાને અમેરિકા સાથે દોહામાં જે વચન આપેલું તેને પૂરૂ નથી કર્યું.

વિદેશ સચિવ હર્ષ શૃંગલાએ પણ આ બેઠકમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અફદ્યાનિસ્તાનમાં ભારત સરકારના હેલ્પ ડેસ્ક પર આશરે ૧૫ હજાર લોકોએ સંપર્ક કર્યો. સમગ્ર વિશ્વ હજુ પણ તાલિબાનને લઈ વેઈટ એન્ડ વોચની પોલિસી અપનાવી રહ્યું છે. ભારત પણ તે મોડ પર જ છે.

જાણવા મળ્યા મુજબ તમામ રાજકીય દળોએ અફદ્યાનિસ્તાનથી ભારતીયોને કાઢવાા પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, સંસદીય મંત્રી પ્રહ્લાદ જોશી, પીયૂષ ગોયલ સહિત સરકાર તરફથી અન્ય લોકો પણ સામેલ થયા હતા. જયારે વિપક્ષમાંથી શરદ પવાર, મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી જેવા નેતા અને અન્ય રાજકીય દળોના સદસ્યોએ બેઠકમાં ભાગ લીધો હતો.

ભારત દ્વારા સતત લોકોને અફદ્યાનિસ્તાનમાંથી બહાર કાઢવાના પ્રયત્નો ચાલુ છે. ભારતે પહેલા જ પોતાના દૂતાવાસના લોકોને બહાર કાઢી લીધા હતા. હવે ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા પર ફોકસ કરવામાં આવ્યું છે. તે સિવાય અફદ્યાનિસ્તાનમાં રહેતા હિંદુ અને શીખોને પણ ભારતમાં લાવવામાં આવી રહ્યા છે.

(3:45 pm IST)