Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

૩૮ કરોડ કામદારોને મળશે સામાજિક સુરક્ષા યોજનાઓનું કવચ

ઈ-શ્રમ પોર્ટલઃ શ્રમ અને રોજગાર મંત્રાલય આજે કરશે લોન્ચ, અસંગઠિત ક્ષેત્રના કામદારોનો તૈયાર થશે રાષ્ટ્રીય ડેટાબેઝ

નવીદિલ્હીઃ અસંગઠિત ક્ષેત્રના કામદારોનો રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવા માટે કેન્દ્ર સરકાર ગુરૂવારે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરશે. આ સાથે અસંગઠિત ક્ષેત્રના કામદારો સરકારની તમામ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મેળવી શકશે. સરકારને અપેક્ષા છે કે સબ-સેકટરના ૩૮ કરોડ કામદારોની નોંધણી ઈ-શ્રમ પોર્ટલ પર કરવામાં આવશે. અત્યારે સરકાર પાસે કોઈ ડેટાબેઝ નથી, જેમાંથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની સંખ્યા સચોટ રીતે જાણી શકાય. આને કારણે, યોજનાઓનો લાભ તેમના સુધી યોગ્ય રીતે પહોંચતો નથી.

ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે...

ઓળખ કાર્ડ અને આધાર કાર્ડની તર્જ પર, કામદારોને તેમના કામના આધારે જુદી જુદી કેટેગરીમાં વહેંચવામાં આવશે. કામના આધારે સરકાર કામદારોનો રેકોર્ડ તૈયાર કરશે. પોર્ટલ પર નોંધણી કર્યા પછી, સરકાર કામદારોને ઇ-શ્રમ કાર્ડ આપશે જેમાં તેમને ૧૨ અંકનો અનોખો કોડ આપવામાં આવશે. આ કોડ કામદારોની ઓળખ કરશે. આ કોડના આધારે કામદારોને સરકારી યોજનાઓનો લાભ મળશે.

આ યોજનાઓના આ થશે ફાયદા...

અસંગઠિત ક્ષેત્રના કામદારો જે ઈ-શ્રમ પર નોંધણી કરે છે તેમને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, આયુષ્માન ભારત સહિત અનેક સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મળશે.

આ લોકોને મળશે લાભ

કામદારોનો ડેટા અને માહિતી પોર્ટલ પરથી એકત્રિત કરવામાં આવશે. આ સાથે સરકાર કામદારો માટે નવી યોજનાઓ બનાવશે. તેનો લાભ બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા કામદારો, સ્થળાંતર કામદારો, શેરી વિક્રેતાઓ તેમજ કૃષિ અને ઘરેલુ કામમાં રોકાયેલા કામદારોને આપવામાં આવશે.

(3:44 pm IST)