Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

આવકવેરાની ફેસલેસ યોજના બનશે ફલેકસીબલ

૨૦૦ કરોડથી વધુ આવકવાળાને પસંદગીની અપાશે છૂટ

નવી દિલ્હી તા. ૨૬ : સરકાર માનવ હસ્તક્ષેપ વગર (ફેસલેસ) કર આકલન યોજનામાં ફેરફારની શકયતા પર વિચારણા કરી રહી છે. આ પગલાનો ઉદ્દેશ ૨૦૦ કરોડ રૂપિયાથી વધારે આવકવાળા મુખ્ય કરદાતાઓને એવી છૂટ આપવાનો છે જેમાં તેઓ પોતાની પસંદગીથી ફેસલેસ અથવા ક્ષેત્રાધિકાર આકલનને અપનાવી શકે છે.

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કરાધાન અને મૂડી લાભ જેવા ક્ષેત્રોના કેસોને કરવિભાગની ખાસ ટીમ દ્વારા જોવામાં આવશે અને જરૂર પડયે જટીલ કેસોને પહેલાની જેમ ક્ષેત્રાધિકાર આકલન અધિકારી પાસે મોકલવામાં આવશે. આ સાથે જ ફેસલેસ એસેસમેન્ટ દરમિયાન સ્થાનિક અને ક્ષેત્રિય સીમાઓની અડચણ દૂર કરવા પર પણ ચર્ચા કરાઇ હતી.

આ બાબતની માહિતી ધરાવતા એક સરકારી સૂત્રએ જણાવ્યું કે, નાણા મંત્રાલયના રાજસ્વ વિભાગને ઉદ્યોગના હિતધારકો પાસેથી આ પ્રકારના કેટલાય સૂચનો મળ્યા છે. અમે દરેક પ્રસ્તાવના ગુણદોષનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને જોઇએ છીએ કે તેમાં કોઇ ફેરફારની ગુંજાશ છે કે નહીં તેમણે કહ્યું કે, ફેસલેસ યોજના હજુ આકાર લઇ રહી છે ત્યારે તેને કરદાતાઓ માટે વ્યવહારિક બનાવવા માટે સતત કામ કરવાની જરૂર છે. આ યોજનાનો ઉદ્દેશ ભ્રષ્ટાચાર ખતમ કરવાનો અને કરદાતાઓની અસુવિધા દૂર કરવાનો છે.

ગયા વર્ષે શરૂ કરાયેલ આ યોજના પર કરદાતાઓ દ્વારા અનેક પ્રકારની ચિંતાઓ વ્યકત કરાયા પછી ચર્ચા શરૂ કરાઇ છે. અમુક કરદાતા તો ફેસલેસ વ્યવસ્થા સામે કોર્ટમાં પણ ગયા છે. ટોચના કરદાતાઓને આ યોજનામાં ફલેકસીબીલીટી આપવા બાબતે ઉકત સૂત્રએ કહ્યું કે, ૨૦૦ કરોડથી વધારે આવકવાળા જટીલ કેસો બાબતે ચર્ચા થઇ છે. તેમણે કહ્યું કે, વરસે લગભગ ૧ થી ૧.૫ લાખ કેસ તપાસ માટે જાય છે જે કુલ કરદાતાઓના લગભગ અર્ધા ટકા જેટલા છે અને તેમાં જ સૌથી વધારે જટીલ કેસ હોય છે.

(3:14 pm IST)