Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

Yahooએ ભારતમાં સમાચાર સાઈટ્સ બંધ કરી

એફડીઆઈ અંતર્ગત વિદેશી સમાચાર સંસ્થાનો ઉપર ભારત સરકારે લગામ ખેંચતા લેવાયેલો નિર્ણયઃ યાહૂ મેઈલ અને યાહૂ સર્ચને અસર નહિ થાયઃ યાહૂ ક્રિકેટ, યાહૂ ફાયનાન્સ, યાહૂ ન્યુઝ અને એન્ટરટેઈન્મેન્ટ સાઈટ્સ આજથી બંધ

નવી દિલ્હી, તા. ૨૬ :. વેબ સેવા પ્રદાન કરતી અમેરિકી કંપની યાહૂએ આજથી ભારતમાં પોતાની સમાચાર સાઈટ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. વિદેશી રોકાણ સીમા (એફડીઆઈ)ના નિયમોમાં થયેલા ફેરફારોને કારણે આ નિર્ણય લેવાયો છે. ભારતમાં કોઈપણ મીડીયા આઉટલેટસમાં ૨૬ ટકાથી વધુ વિદેશી રોકાણની પરવાનગી ન હોવાના કારણે યાહૂએ આ નિર્ણય લીધો છે. યાહૂ ક્રિકેટ, યાહૂ ફાયનાન્સ, યાહૂ ન્યુઝ અને એન્ટરટેઈન્મેન્ટની તમામ સાઈટ્સ બંધ થશે. જો કે આની અસર યાહૂ મેઈલ અને યાહૂ સર્ચ ઉપર નહિ થાય. વર્ઝન મિડીયા (યાહૂ)ના ગ્લોબલ પબ્લિક પોલીસી હેડ એપ્રિલ બોયડે કહ્યુ કે ભારતમાં સમાચાર અને કરંટ અફેર્સ સેગમેન્ટમાં કામ કરવાવાળી મીડીયા કંપનીઓ માટે વિદેશ રોકાણની સીમામાં બદલાવ થયો છે. આ બદલાવ ન્યૂઝ અપલોડ કરતી ડીજીટલ મીડીયા કંપનીઓ પર લાગુ થયો છે. બોયડે કહ્યુ કે, નક્કી થયેલી સમય મર્યાદામાં રીસ્ટ્રકચરીંગ કામકાજો અને આર્થિક પડકારોના કારણે સમાચાર અને કરંટ અફેર્સ વિષયવસ્તુવાળા બીઝનેશને સરકાર દ્વારા જરૂરી મંજુરી મળી શકી નથી. આ કારણોસર અમારે યાહૂની બધી સાઈટ્સ બંધ કરવી પડી છે.

એફડીઆઈના નવા નિયમો મુજબ ભારતની ડીજીટલ કંપનીઓમાં ૨૬ ટકા સુધી વિદેશી રોકાણ થઈ શકે છે અને આના માટે પણ સરકારી મંજુરીની જરૂર છે. ઓકટોબર ૨૦૨૧થી આ નિયમો લાગુ થવાના છે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે વિદેશી સમાચાર સંસ્થાનોના પ્રભુત્વ ઉપર આ નિયમોથી લગામ ખેંચી છે.

(3:12 pm IST)