Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

પોલીસ ઓફિસરો-શાસકોના 'મીઠા સંબંધો' ગંભીર બાબતઃ રોકવા જરૂરી

સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટિપ્પણીઃ પોલીસ ઓફિસર સત્તામાં મોજુદ રાજકીય પક્ષની ફેવર કરતા હોય છે અને વિરોધીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરતા હોય છે, બાદમાં વિરોેધીઓ સત્તામાં આવે તો ઓફિસરો સામે કાર્યવાહી થાય છેઃ આ ટ્રેન્ડ અટકવો જોઈએ : કોર્ટનું કહેવુ છે કે...આ બાબત પાછળ ખુદ પોલીસ ઓફિસરોને જ જવાબદાર ઠેરવવા જોઈએઃ તેઓએ કાનૂનના શાસન ઉપર ટકી રહેવુ જોઈએ

નવી દિલ્હી, તા. ૨૬ :. સુપ્રિમ કોર્ટે પોલીસ અને સત્તાના ગઠબંધન પર ચિંતા વ્યકત કરતા તેને પરેશાન કરતો ટ્રેન્ડ ગણાવ્યો છે. ચીફ જસ્ટીસ એન.વી. રમણાએ કહ્યુ છે કે પોલીસ ઓફિસરો અને સત્તાધારી પાર્ટી વચ્ચે 'મીઠા સંબંધો' હેરાન-પરેશાન કરનારા છે અને જ્યારે સરકારો બદલાય તો પોલીસ ઓફિસરો પર કાર્યવાહી થતી હોય છે.

સીજેઆઈ રમણાએ આ ટિપ્પણી આઈપીએસ ગુરજીંદર પાલ સિંહની અરજી પર સુનાવણી કરી હતી. છત્તીસગઢના આ આઈપીએસ પર રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે રાજદ્રોહની કલમ ૧૨૪-એ ને હટાવવાની માંગણીને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે પોલીસ ઓફિસર સત્તામાં મોજુદ રાજકીય પક્ષની ફેવર લેતા હોય છે અને તેમના વિરોધીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરતા હોય છે. બાદમાં જ્યારે વિરોધીઓ સત્તામાં આવે છે તો પોલીસ ઓફિસરો પર કાર્યવાહી થતી હોય છે. આ ટ્રેન્ડ ગંભીર બાબત છે અને પરેશાન કરનાર છે. જેને રોકવાની જરૂર છે.

સીજેઆઈ રમણાએ કહ્યુ હતુ કે જ્યારે સરકારો બદલાય છે તો પોલીસ ઓફિસરોને આવા આરોપોનો સામનો કરવો પડે છે. આ દેશમાં આ નવુ ચલણ છે. તેમણે કહ્યુ હતુ કે આ બધા માટે ખુદ પોલીસ ઓફિસરોને જ જવાબદાર ઠેરવવા જોઈએ. તેઓએ હકીકતે કાનૂનના શાસન પર ટકી રહેવુ જોઈએ.

છત્તીસગઢના સસ્પેન્ડેડ આઈપીએસ ઓફિસર સિંહ પર આ વર્ષે જુલાઈમાં રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના ઉપર આવકથી વધુ સંપત્તિ રાખવાનો આરોપ છે. તેમણે આ કેસ હટાવવાની માંગણી કરતી અરજી કરી છે.

સુપ્રીમ કોર્ટે તેમને રાહત આપતા તેમની ધરપકડ પર ચાર સપ્તાહનો સ્ટે ફરમાવ્યો છે.

(2:58 pm IST)