Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

તાલિબાનોને પાકિસ્તાનનો પુરેપુરો સાથ હતો : અમે આપેલી ચેતવણીની અમેરિકાએ ઇરાદાપૂર્વક અવગણના કરી : પતન માટે લશ્કર અથવા ગુપ્તચર વિભાગને નિષ્ફળ ગણાવવાનો અભિગમ ખોટો છે : અફઘાનિસ્તાનના કાર્યકારી પ્રમુખ અને તાલિબાન વિરોધી નેતા અમરૂલ્લાહ સાલેહનો ઘટસ્ફોટ : અમે લડીશું અને અફઘાનિસ્તાનને તાલિબાનીસ્તાન બનતું અટકાવવા માટે મરી ફિટશું

અફઘાનિસ્તાન : અફઘાનિસ્તાનના કાર્યકારી પ્રમુખ અને તાલિબાન વિરોધી નેતા અમરૂલ્લાહ સાલેહે દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે તાલિબાનોને પાકિસ્તાનનો પુરેપુરો સાથ હતો. આ બાબતે અમે વૉશિન્ગટનને જાણ પણ કરી હતી. પરંતુ અમારી સ્થાનિક નેતૃત્વની વિવિધ ચેતવણીઓ અને વિનંતીઓની અમેરિકાએ ઇરાદાપૂર્વક અવગણના કરી . તેથી પતન માટે લશ્કર અથવા ગુપ્તચર વિભાગને નિષ્ફળ ગણાવવાનો અભિગમ ખોટો છે.

સાલેહએ જણાવ્યું હતું કે પાકિસ્તાને તાલિબાનની પૂરા દિલથી સેવા કરી .
અફઘાનિસ્તાનની કટોકટીને યુ.એસ.અને નાટોએ માત્ર લાચારીથી જોવાનું કામ કર્યું છે. જયારે તટસ્થ રાષ્ટ્રોએ સ્થાનિક અફઘાન નેતૃત્વ - જેને તાલિબાન દ્વારા હટાવવામાં આવી રહ્યું હતું તે નિ: શ્વાસ સાથે જોયા કર્યું .  

અભેદ્ય અને દુર્ગમ ગણાતા પંજશીર ખીણમાંથી કાર્યરત, સાલેહે તાલિબાન સામે પ્રતિકારની લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે   સીએનએન-ન્યૂઝ 18 સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે દોહા મંત્રણામાં ભાગ લઈને પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને મૂર્ખ બનાવવાની કોશિશ કરી હતી. તેમણે તાલિબાનોને મદદ કરવા માટે પાકિસ્તાનને દોષિત ગણાવ્યું હતું. સાલેહે કહ્યું હતું કે તાલિબાન ખરેખર આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ ક્યારેય નહોતું કારણ કે તાલિબાનો હંમેશા પાકિસ્તાનના સમર્થન અને સંસાધનોનો લાભ મેળવતા હતા.

 

સાલેહે પાડોશી દેશ પાકિસ્તાનને તાલિબાનના ફાયદા માટે જવાબદાર ઠેરવવામાં એકપણ શબ્દની ખામી રહેવા દીધી નહોતી.અને વધુમાં આરોપ લગાવ્યો હતો કે દોહા ખાતે કરાયેલી મંત્રણાનો ઉદેશ આંતરરાષ્ટ્રીય સમુદાયને વિભાજીત રાખવાનો હતો .

સાલેહે અફઘાનિસ્તાનમાં લોકશાહીના પતન માટે અમેરિકાની ભૂમિકા વિશે જણાવ્યું હતું કે દેશમાંથી ઉતાવળે બહાર નીકળી જવાનું અમેરિકાનું પગલું અયોગ્ય હતું. છેલ્લા 2 વર્ષમાં પ્રજાસત્તાક (અફઘાનિસ્તાન) અમારા અમેરિકન સાથીઓના ભારે દબાણ હેઠળ આવ્યું હતું. તેઓએ અમને બ્લેકમેઇલ કર્યા અને કહ્યું કે તમે તાલિબાની કેદીઓને છોડી મુકો નહીં તો  અમે તમારી સહાયતામાં ઘટાડો કરી નાખશું. જેના પરિણામે આ કેદીઓની કરાયેલી મુક્તિ તાલિબાન માટે અત્યંત કટ્ટરવાદી લડવૈયાઓની ભેટ હતી.
 
કાર્યવાહક અફઘાન પ્રમુખે પોતાની સરકારમાં રહેલી ખામીઓને પણ સ્વીકારી હતી અને કહ્યું હતું કે અફઘાન નેતાઓએ તાલિબાની ધમકીની ખોટી ગણતરી કરી અને સમયસર યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહ્યા. અલબત્ત આ માટે તેમણે આપેલી ચેતવણીઓ ઉપર ધ્યાન ન આપવા બદલ વોશિંગ્ટનના રાજકીય ઇચ્છાશક્તિના અભાવને જવાબદાર ગણાવ્યો હતો.  

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને અફઘાનિસ્તાનમાંથી યુએસના નેતૃત્વ હેઠળના સ્થળાંતરને પૂર્ણ કરવા માટે આગામી સપ્તાહે તેની સમય મર્યાદાને વળગી રહેવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણયને તેઓ વળગી રહેશે કે કેમ તે બાબત અસ્પષ્ટ છે. સામે પક્ષે તાલિબાન પણ સમયમર્યાદા વધારવા સામે સખત સોદાબાજી કરી રહ્યું છે અને ચેતવણી આપી છે કે જો યુએસ અને નાટો દળો વધુ સમય રોકાશે તો તે શાંતિથી બેસશે નહીં. બીજી બાજુ યુ.એસ.એ કોઈ સંકેતો આપ્યા નથી કે તે તેનું પાલન કરશે નહીં.
સાલેહે કહ્યું હતું કે યુ.એસ.હવે પોતાના ખોટા રાજકીય નિર્ણય માટે વિશ્વની આંખે ચડી ગયું છે.

અંતમાં તેમણે ઉમેર્યું હતું કે NATO અને અમેરિકી સૈન્યએ વિદાય લઇ  લીધી છે.પરંતુ અફઘાન લોકો ગયા નથી .તેમને બહાર કાઢી શકાયા નથી. દેશ દુર્ઘટનામાં ડૂબી ગયો છે અને આતંકવાદી જૂથોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. આજે, ઉદાહરણ તરીકે, એક મની લોન્ડરર અફઘાન સેન્ટ્રલ બેંકનો ગવર્નર બન્યો છે, હક્કાનીઓ કાબુલ ચલાવી રહ્યા છે . હક્કાની કોણ છે તે સમજાવવાની જરૂર નથી. આ શરમ અને વિશ્વાસઘાત છે અને હું તે શરમ અને વિશ્વાસઘાતનો ભાગ બનવા માંગતો નથી. અમે લડીશું અને એવા નિષ્કર્ષ પર આવીશું કે અફઘાનિસ્તાને અફઘાનિસ્તાન રહેવું જોઈએ તાલિબાનિસ્તાન ન બનવું જોઈએ. તેવું ફર્સ્ટ પોસ્ટ દ્વારા જાણવા મળે છે. 

(12:20 pm IST)