Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

'છેલ્લી ચા' વેબ સિરીઝમાં મરીઝની રચના 'હું કયાં કહુ છું આપની હા હોવી જોઇએ' નવી પેઢી માટે નવા સ્વરૂપે સામેલ

વિડીયો સોંગના રૂપે આ ગઝલ દરેક વર્ગના દર્શક સુધી પહોંચે એ માટે યુ-ટ્યુબ પર મુકાઇ : પંજાબી કુલદીપસિંહ કલેરે સૂત્રધાર તરીકે આ ગીત પ્રસ્તુત કર્યું છેઃ જયદિપ રાવલે સ્વરબધ્ધ કર્યુ અને બંગાળી ગાયક ગોવિંદા સરકારે ગઝલને ન્યાય આપ્યો : ત્રણ પેઢીથી સંભળાતી આ રચનાને નવી પેઢી સુધી નવા સ્વરૂપે પહોંચાડવી અને સમયની ડિમાન્ડઃ હારિતઋષી પુરોહિત

રાજકોટઃ ગુજરાતી ભાષાની અમર રચનાઓ હવે વિવિધ ડિજિટલ માધ્યમોથી નવા સ્વરૂપે આવી રહી છે અને તેને ઉમળકાભર્યો આવકાર મળી રહ્યો છે. તાજેતરમાં જ સિંગાપોરના વર્લ્ડ ફિલ્મ કાર્નિવલમાં વિજેતા નીવડેલી એક માત્ર ગુજરાતી વેબસિરિઝ 'છેલ્લી ચા'માં ખ્યાતનામ ગઝલકાર મરિઝની રચનાને નવી રીતે સ્વરબદ્ધ કરવામાં આવી છે.

 'છેલ્લી ચા' વેબ સિરીઝ એ ચા મંગાવો ચા આવે અને ચા પીતા પ્રિયજનને યાદ કરી શકાય તેવી અર્થસભર રીતે રજૂઆત પામી છે. નાનાથી લઇ મોટા એમ દરેકને કોલેજના દિવસો યાદ કરાવતી આ વાર્તા પસંદ આવી રહી છે. એમએકસ પ્લેયર પર ઉપલબ્ધ આ વેબ સિરીઝને બહોળો આવકાર મળી રહ્યો છે. દર્શકોને આ ગીત ખુબજ ગમી રહ્યું છે. તેથી આ સમગ્ર રચનાને વિડીયો સોંગ સ્વરૂપે યુટ્યૂબ પર આ મુકી દેવાયુ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે દિગ્દર્શન કરતા હારિતઋષિ પુરોહિતે આ રચનાના પ્રયાસ માટે જણાવ્યું હતું કે-'આ ગઝલને સાંભળીને ત્રણ પેઢી મોટી થઇ છે, પરંતુ નવી પેઢીને પણ આ ગઝલની નવી રજૂઆત, નવા સ્વરૂપમાં પહોંચાડવી એ સમયની ડિમાન્ડ છે. ડિજિટલ માધ્યમોથી હવે ટેલેન્ટ સાથે કામ કરવું સરળ થઇ રહ્યું છે. અમદાવાદમાં રહેતા કુલદીપસિંહ કલેર કે જે પંજાબી હોવા છતાં ગુજરાતી ભાષાના પ્રેમ થકી પોઝિટિવ પાજી તરીકે જાણીતા છે. તેમણે સૂત્રધાર તરીકે આ ગીત પ્રસ્તુત કર્યું છે. સુરત રહેતા જયદીપ રાવલે સ્વરબદ્ધ કર્યું છે, અને બંગાળી ગાયક ગોવિંદા સરકારે શુદ્ધ ગુજરાતીમાં આ ગઝલને ન્યાય આપવાની કોશીશ કરી છે.

અમસ્તાંય ગુજરાતીઓ વિશ્વ પ્રવાસી છે ત્યારે આવો સહિયારો પ્રયાસ ગામ કે શહેરના સીમાડાઓ ભૂલીને ગુજરાતી ભાષા માટેનો પ્રેમ જ મહત્વની કડી બની રહી છે. વિડિઓ સોન્ગના રૂપે મરીઝ સાહેબની ગઝલ દરેક વર્ગના દર્શક સુધી પહોંચે તેથી જ તેને 7thsenseની ઓફિશ્યિલ યુટ્યૂબ ચેનલ પર મુકવામાં આવી છે.

નિર્માતાને  આશા છે કે છેલ્લી ચા વેબ સિરીઝને જે પ્રતિભાવ મળ્યો છે તે આ વિડિઓ સોન્ગને પણ મળશે જ. એક અંતર્મુખી છોકરો અને છોકરીના સંબંધોની અધૂરપને સંવાદને બદલે અનોખી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

(11:39 am IST)