Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

દેશને મળશે પ્રથમ મહિલા CJI ?

સુપ્રીમ કોર્ટના કોલેજીયમે ભલામણ કરેલા ૯ નામ પર કેન્દ્ર સરકારની મંજૂરી

નામને નિમણૂંક પત્ર આપવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યા છે જેમાં ગુજરાતથી બે જસ્ટિસના નામની ભલામણ કરવામાં આવી હતી

નવી દિલ્હી તા. ૨૬ : સુપ્રીમ કોર્ટના જજ તરીકે કોલેજીયમે જે નવ નામની ભલામણ કરી હતી તેને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. હવે આ નામને નિમણૂંક પત્ર આપવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યા છે જેમાં ગુજરાતથી બે જસ્ટિસના નામની ભલામણ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના કોલેજીયમે જે ભલામણ કરી હતી તેમાં ત્રણ મહિલા જજનો સમાવેશ થાય છે. આ મહિલા જજની યાદીમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીનું નામ સામેલ છે. આ સાથે જ આ યાદીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથનું પણ નામ છે. યાદીમાંમહિલા જજમાં કર્ણાટક હાઈકોર્ટના બી વી નાહરથ્ના અને તેલંગાણાના હિમા કોહલીનો સમાવેશ થયો છે. જસ્ટિસ બી.વી નાગરથના ૨૦૨૭માં ભારતના પ્રથમ મહિલા ચીફ જસ્ટીસ બની શકે છે.

કોલેજીયમે જે ૯ નામની ભલામણ કરી હતી તેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદી, ચીફ જસ્ટિસ વિક્રમનાથ ઉપરાંત કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ બીવી નગરત્ના, તેલંગણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હિમા કોહલી, કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, સિકિસમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જિતેન્દ્રકુમાર મહેશ્વરી, કેરળ હાઈકોર્ટના જસ્ટિસ સીટી રવિકુમાર, અને એમએમ સુંદરેશ સામેલ છે.

હાલના સમયમાં સુપ્રીમ કોર્ટમાં ૨૪ જજ છે. નવ જજોની નિયુકિત બાદ પણ સુપ્રીમ કોર્ટમાં એક પદ ખાલી રહેશે. સુપ્રીમ કોર્ટના કોલેજજીયમમાં સીજેઆઈ એનવી રમના, જસ્ટિસ ઉદય યૂ લલિત, એએમ ખાનવિલકર, ધનંજય વાય ચંદ્રચૂડ અને એલ નાગેશ્વર રાવ સામેલ હતા. નવેમ્બર ૨૦૧૯માં સીજેઆઈ તરીકે જસ્ટિસ રંજન ગોગોઈની સેવાનિવૃત્તિ બાદથી કોલેજીયમે સુપ્રીમ કોર્ટમાં નિયુકિતઓ માટે કેન્દ્ર સરકારને એક પણ ભલામણ મોકલી નહતી. ૧૨ ઓગસ્ટના રોજ જસ્ટિસ નરીમન બહાર થયા બાદ ૯ લોકોની જગ્યા ખાલી હતી.

(2:47 pm IST)