Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ભારતમાં કોરોનાના કહેરે ફરી ડરાવ્યા

૨૪ કલાકમાં ૪૬ હજાર લોકો સંક્રમિત : માત્ર કેરળમાં ૩૧ હજાર કેસ

દેશમાં કુલ ૬૦ કરોડથી વધુ લોકોને કોરોના વેકસીન અપાઇ : ૨૪ કલાકમાં ૮૦ લાખ લોકોનું રસીકરણ થયું

મુંબઇ તા. ૨૬ : ભારતમાં કોરોના વાયરલનો કહેર ફરીથી વધુ ગંભીર બની રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર કેરળમાં જ ૩૧ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ૫,૦૩૧ નવા કેસ સામે આવ્યા છે, જેના કારણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ૪૬ હજારનો વધારો થયો છે. તો બીજી તરફ, વેકસીનેશન અભિયાન પણ ખૂબ વેગવંતી બનતા કુલ વેકસીનેશનનો આંક ૬૦ કરોડને પાર પહોંચી ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૮૦ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

ગુરૂવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૬,૧૬૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૬૦૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૫,૫૮,૫૩૦ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૬૦,૩૮,૪૬,૪૭૫ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૦,૪૦,૪૦૭ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

વિશેષમાં, કોવિડ-૧૯ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૧૭ લાખ ૮૮ હજાર ૪૪૦ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩૪,૧૫૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૬૦ ટકા છે. હાલમાં ૩,૩૩,૭૨૫ એકિટવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૩૬,૩૬૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૫ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૧,૩૧,૨૯,૩૭૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૭,૮૭,૨૮૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

(11:37 am IST)