Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

દારૂ પીવાની ઉંમર કેટલી હોવી જોઈએ : દિલ્હી હાઇકોર્ટમાં જનહિતની અરજી

વ્યક્તિને મદ્યપાન કરવાની પરવાનગી આપવામાં આવી એટલે તેને દારૂ પીને બેફામ ડ્રાઇવિંગ કરવાની પરવાનગી આપવામાં આવી તેવો તેનો અર્થ થતો નથી.: આપ નો બચાવ

નવી દિલ્હી : મદ્યપાન કરવા માટે લઘુત્તમ વય 25થી ઘટાડીને 21 વર્ષ કરવાના સરકારના નિર્ણયના વિરોધમાં દિલ્હી હાઇકોર્ટમાં કરવામાં આવેલી એક જનહિતની અરજીની સુનાવણી દરમ્યાન આપ સરકાર દ્વારા બચાવ કરતી વખતે જણાવવામાં આવ્યું હતું કે જો વ્યક્તિ 18 વર્ષે મતદાન કરી શકતી હોય તો જે લોકોની વય 18 વર્ષ કરતાં વધારે છે તેમણે મદ્યપાન ન કરવા દેવું જોઇએ તેમ સૂચવનાર એકદંડિયા મહેલમાં રહેતો હોય તેમ ગણી શકાય.

તે ઉપરાંત આપે કહ્યું કે, વ્યક્તિને મદ્યપાન કરવાની પરવાનગી આપવામાં આવી એટલે તેને દારૂ પીને બેફામ ડ્રાઇવિંગ કરવાની પરવાનગી આપવામાં આવી તેવો તેનો અર્થ થતો નથી. દારૂ પીને ડ્રાઇવ કરવા સામે કાયદા છે અને તેનો અમલ થાય છે તેમ એડવોકેટ મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ અને જસ્ટિસ જ્યોતિસિંહની બનેલી બેન્ચને જણાવ્યું હતું.

આ જનહિતની અરજી કોમ્યુનીટી અગેઇન્સ્ટ ડ્રન્ક ડ્રાઇવિંગ દ્વારા નોંધાવવામાં આવી હોવાથી સરકારે તેના બચાવમાં દારૂ પીને ડ્રાઇવ કરવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. અરજદારે તેની અરજીમા જણાવ્યું હતું કે દારૂ પીવાની લાયકાત માટે લઘુત્તમ વયમાં ઘટાડો કરવાને પરિણામે દારૂ પીને બેફામ વાહનો ચલાવવાના કેસો વધશે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અરજદારે જ્યાં દારૂ વેચવામાં આવતો હોય તે તમામ સ્થળે વયની ખરાઇ કરવા માટે યંત્રણા ફરજિયાત બેસાડવામાં આવે તેવો આગ્રહ પણ રાખ્યો હતો. અરજદારે જણાવ્યું હતું કે જ્યાં સુધી વ્યક્તિની વયની ખરાઇ કરવાની યંત્રણા ગોઠવવામાં ન આવે ત્યાં સુધી ન્યુએક્સાઇઝ પોલિસીનો અમલ કરતા દિલ્હી સરકારને અટકાવવામાં આવે. આ નવી નીતિ હેઠળ દારૂ પીવા માટેની લઘુત્તમ વય ૨૫થી ઘટાડીને 21 વર્ષ કરવામાં આવી છે.

અરજદારે દાવો કર્યો હતો કે અગાઉ 2017માં અમે કરેલી અરજીના જવાબમાં અદાલતે દિલ્હી સરકારને દારૂ વેચતી જગ્યાઓ પર વ્યક્તિની વયની ખરાઇ કરવા માટે નીતિ ઘડવાનો આદેશ આપ્યો હતો પણ સરકાર આ મામલે પગલાં ભરવામાં નિષ્ફળ જતાં અમારે જનહિતની અરજી નોંધાવવી પડી હતી.

(11:05 am IST)