Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

તાલિબાને ખુંખાર આતંકી મુલ્લા અબ્દુલ કય્યૂમ જાકિરને નવા સંરક્ષણ મંત્રી બનાવ્યો

અમેરિકામાં વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટરમાં આતંકી હુમલા બાદ સેનાએ પકડી લીધો અને છ વર્ષ ગ્વાંતાનામોની જેલમાં કેદી હતો

અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાન સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યુ છે. મંત્રીઓના નામ ફાઇનલ કરવામાં આવી રહ્યા છે. કેટલાક વચગાળાના મંત્રી પણ નિયુક્ત કરી લેવામાં આવ્યા છે. અલ જજીરા ચેનલના રિપોર્ટ અનુસાર, તાલિબાને વિશ્વની સૌથી ખતરનાક જેલના કેદી અને શાંતિવાર્તાના વિરોધી રહેલા ખુંખાર આતંકી મુલ્લા અબ્દુલ કય્યૂમ જાકિરને અફઘાનિસ્તાનના નવા સંરક્ષણ મંત્રી બનાવ્યા છે.

મુલ્લા અબ્દુલ કય્યૂમ જાકિર એક અનુભવી તાલિબાની કમાન્ડર છે. તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરના નજીકનો સહયોગી પણ છે. રૉયટર્સ અનુસાર, અમેરિકામાં વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટરમાં આતંકી હુમલા બાદ તેને 2001માં અમેરિકન નેતૃત્વ ધરાવતી સેનાએ પકડી લીધો હતો, તેને 2007 સુધી ગ્વાંતાનામોની જેલમાં કેદી બનાવીને રાખવામાં આવ્યો હતો. બાદમાં તેને છોડી મુકવામાં આવ્યો અને અફઘાન સરકારને સોપી દીધો હતો.

મુલ્લા અબ્દુલની ગણના તાલિબાનના ખુંખાર આતંકીમાં થાય છે. ગ્વાંટાનામો ખાડી અમેરિકન સેનાની એક હાઇ સિક્યુરિટી જેલ છે, જે ક્યૂબામાં આવેલી છે. આ જેલમાં ખુંખાર અને હાઇ પ્રોફાઇલ આતંકીઓને રાખવામાં આવે છે.

તાલિબાને હજુ સુધી અફઘાનિસ્તાનમાં એક ઔપચારિક સરકારની રચના કરી નથી. જોકે, દેશને ચલાવવા માટે આતંકી જૂથ પોતાના કેટલાક નેતાઓને મુખ્ય પદો પર નિયુક્ત કર્યા છે. આ ક્રમમાં હાજી મોહમ્મદ ઇદરીશને દેશની કેન્દ્રીય બેન્ક દા અફઘાનિસ્તાન બેન્ક (ડીએબી)ના કાર્યવાહક પ્રમુખ નિયુક્ત કર્યા છે.

Pajhwok અફઘાન ન્યૂઝ અનુસાર, તાલિબાને સખઉલ્લાહને કાર્યવાહક શિક્ષણ પ્રમુખ, અબ્દુલ વાકીને ઉચ્ચ શિક્ષણનો કાર્યવાહક પ્રમુખ, સદર ઇબ્રાહિમને કાર્યવાહક ગૃહમંત્રી, ગુલ આગાને નાણા મંત્રી, મુલ્લા શિરીનને કાબુલના ગવર્નર, હમદુલ્લા નોમાનીને કાબુલના મેયર અને નજીબુલ્લાહને જાસુસી પ્રમુખ નિયુક્ત કર્યા છે.

આ પહેલા તાલિબાને પોતાના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદને સંસ્કૃતિ અને સૂચના મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. મુજાહિદ તે છે જેમણે એક દિવસ પહેલા મીડિયાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે તાલિબાનની સરકાર કેવી હશે.

(11:01 am IST)