Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

પેટમાંથી સોનાની ચેઇન કઢાવવા ચોરને કેળાં અને જુલાબની દવા ખવડાવ્યાં

પબ્લિકે ચેઇન-સ્નેચર વિજયની મારઝૂડ શરૂ કરી એટલામાં તે સાત તોલાની સોનાની ચેઇન ગળી ગયો હતો

બેંગ્લોર,તા. ૨૬: બેન્ગલોરની એક ગલીમાં સ્થાનિક રહેવાસી હેમા નામની મહિલાના ગળામાંથી સોનાની ચેઇન લઈને ગળી ગયેલા વિજય નામના ચોરે અનોખી યાતના સહન કરવી પડી હતી. ચોરી કરવામાં વિજયની સાથે બીજા બે જણ પણ હતા. વિજયે ગળામાંથી ચેઇન ખેંચી એ સાથે જ હેમાએ તેને ઝાપટ મારીને પકડી લીધો હતો. વિજયના જે હાથમાં સોનાની ચેઇન હતી એ જ હાથ હેમાએ પકડી લીધો હતો. હેમાએ બૂમાબૂમ કરી મૂકીને રસ્તે ચાલતા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું એથી લોકો ભેગા થવા માંડ્યા હતા. જોકે આ બધી ઝપાઝપીમાં હેમાના હાથમાંથી ચેઇન ચોરના હાથમાં જતી રહી હતી. પબ્લિકે ચેઇન-સ્નેચર વિજયની મારઝૂડ શરૂ કરી એટલામાં તે સાત તોલાની સોનાની ચેઇન ગળી ગયો હતો.

શનિવારે રાતે ૮.૫૦ વાગ્યે બેન્ગલોરના કે. આર. માર્કેટ પોલીસ-સ્ટેશનના ક્ષેત્રમાં બનેલી આ ઘટનામાં ચોર હાથમાં આવતાં રાહદારીઓ તેને પોલીસ-સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ સામે પહેલાં થોડા વખત સુધી તેણે ગુનો કબૂલ કર્યો નહોતો, પરંતુ પોલીસે ધોલધપાટ કરતાં તે બોલ્યો કે હું ગોલ્ડ ચેઇન ગળી ગયો છું. ચોરને માર માર્યો હોવાથી હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યાં ચોરે ચેઇન ગળી ગયો હોવાનું ફરી કહ્યું હતું. જોકે ચેઇનની માલિક મહિલાને તો એવું લાગ્યું હતું કે ધાંધલ-ધમાલ દરમ્યાન ચેઇન રસ્તામાં કયાંક પડી ગઈ હશે. પોલીસ અને ડોકટરને ચોરની વાત માન્યામાં આવતી નહોતી. તેના પેટમાંથી ચેઇન કઢાવવા માટે તેમણે વિજયને કેળાં ખવડાવ્યાં અને પછી જુલાબની દવા પીવડાવી ત્યાર પછી ચેઇન મળી હતી.

(10:18 am IST)