Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

સિન્ડિકેટ બેન્કના એજીએમ સામે કરોડોની છેતરપિંડીનો આરોપ

કુલ ૧૬ જણ સામે સીબીઆઇએ રૂ. ૨૦૯ કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો

નવી દિલ્હી,તા.૨૬: સિન્ડિકેટ બેન્કના ભૂતપૂર્વ એજીએમ આદર્શ મનચન્દા અને વેપારી અનુપ બરટારિયા સહિત કુલ ૧૬ જણ સામે સીબીઆઇએ રૂ. ૨૦૯ કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો.

જયપુરની ખાસ અદાલતમાં દાખલ કરવામાં આવેલા આરોપપત્રમાં સીબીઆઇએ સીએ ભરત બોમ્બનું નામ પણ સામેલ કર્યું હતું.

આરોપપત્રમાં જણાવાયું હતું કે ૧૧૮ લોનના ખાતા મંજૂર કરાયા હતા અને સિન્ડિકેટ બેન્કની જયપુરની એમઆઇ રોડ બ્રાન્ચ અને માલવિયા નગર બ્રાન્ચ તથા ઉદયપુરની બ્રાન્ચ મળીને કુલ ત્રણ શાખા દ્વારા એની ચુકવણી કરવામાં આવી હતી.

બોમ્બે આ ષડ્યંત્ર પોતાના કર્મચારીઓ અને બેન્કના અધિકારીઓની મદદથી રચ્યું હતું અને ઋણ મંજૂર કરાવ્યું હતું. 

આરોપીઓ દ્વારા બોગસ દસ્તાવેજો, નકલી બિલો, બોગસ કવોટેશન સર્ટિફિકેટ વગેરેની મદદથી બેન્ક સાથે રૂ. ૨૦૯.૯૩ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું હતું કે લોન લેનાર અનેક વ્યકિત બોમ્બના કર્મચારીઓ હતા અને અન્યો મોટી રકમની લોન લેવાને લાયક નહોતા.

આવકવેરાના બોગસ દસ્તાવેજમાં મોટી આવક દર્શાવીને આરોપીઓ દ્વારા બેન્કમાંથી કમર્શિયલ પ્રોપર્ટી ખરીદવા માટેની મોટી લોન લેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

એમણે બોગસ દસ્તાવેજો, નકલી બિલો, બોગસ કવોટેશન સર્ટિફિકેટ, બોગસ સીએસર્ટિફિકેટ પણ રજૂ કર્યા હતા.

(10:17 am IST)