Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કોરોનાના કારણે ભારતીય લોકોને ઓનલાઇન રહેવાની લાગી લત

૭૪ ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓ સ્ક્રીન સામે વધારે સમય વિતાવે છે : લોકોના શારીરિક અને માનસિક આરોગ્ય પર થાય છે અસર

નવી દિલ્હી તા. ૨૬ : કોરોના મહામારીના કારણે ડીજીટલ કામ રોજીંદી જીંદગીનો ભાગ બની ગયું છે. ખાસ વાત એ છે કે લોકો ઓનલાઇન રહેવાના શિકાર બની ગયા છે. સાઇબર સિકયોરીટી કંપની નોર્ટનલાઇફલોકના વૈશ્વિક અભ્યાસ અનુસાર ૬૬ ટકા એટલે કે દર ત્રણમાંથી બે ભારતીય મહામારીના કારણે ઓનલાઇન રહેવાની આદતનો શિકાર બની ગયા છે.

અભ્યાસમાં સામેલ ૭૪ ટકા ભારતીયોએ સ્વીકાર્યું કે, તેઓ સ્ક્રીન સામે જેટલો સમય વિતાવે છે તેનાથી તેમના શારીરિક આરોગ્ય પર નકારાત્મક અસર થાય છે. ૫૫ ટકાનું કહેવું છે કે આ આદતના લીધે તેમના માનસિક આરોગ્યને અસર થઇ રહી છે.

નોર્ટન લાઇફ લોકના ભારત તથા સાર્ક દેશોના ડાયરેકટર (સેલ્સ એન્ડ માર્કેટીંગ) રિતેશ ચોપ્રાનું કહેવું છે કે મહામારીએ એવા કામો માટે સ્ક્રીન પર નિર્ભરતા વધારી દીધી છે, જે ઓફલાઇન કરી શકાય છે. જો કે દરેક વ્યકિત માટે પોતાનું ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન સમય વચ્ચેનું સંતુલન જાળવવું મહત્વનું છે જેથી આરોગ્ય અને તેના કરતા પણ બાળકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર ના પડે.

ચોપ્રાએ કહ્યું કે, ઓનલાઇન પરિદૃશ્યમાં સાઇબર જોખમોની સંખ્યા અને પ્રકારોમાં વધારો થયો છે. ઉપયોગકર્તાઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તેઓ પોતાના કનેકટેડ ઉપકરણોનો ઉપયોગ કેવી રીતે અને કયાં કરે છે. સુવિધા સુરક્ષાથી વધારે ના હોવી જોઇએ તેમણે કહ્યું કે, વ્યકિતગત અથવા ખાનગી માહિતીના નુકસાનના ગંભીર પરિણામો આવી શકે છે. માતા - પિતા માટે એ વાત જાણવી અને પોતાના બાળકોને સુરક્ષાની જરૂરીયાત અંગે માહિતી આપી મહત્વપૂર્ણ છે.

(10:13 am IST)