Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

બેંકોને બધા જિલ્લામાં લોન મેળા કરવાના આદેશ

નાણા પ્રધાને ઓકટોબરથી લોન માટે ખાસ અભિયાન ચલાવવા કહ્યું

મુંબઇ તા. ૨૬ : કોરોના મહામારીની બીજી લહેર પછી અર્થવ્યવસ્થા સુધારવા માટે સરકાર દ્વારા અપાયેલા પ્રોત્સાહનોની ગતિને જાળવી રાખીને કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રની બેંકોને વિભીન્ન ક્ષેત્રો, ખાસ કરીને નિકાસ ક્ષેત્રોની લોનની જરૂરીયાતો પર ધ્યાન દેવા કહ્યું છે. આ સાથે જ નાણા પ્રધાને બેંકોને ઓકટોબરથી દેશના બધા જિલ્લાઓમાં લોન આપવા માટે ખાસ અભિયાન ચલાવવા કહ્યું છે.

બેંકોએ ૨૦૧૯માં આ પ્રકારની કસરત કરી હતી. ઓકટોબર ૨૦૧૯થી માર્ચ ૨૦૨૧ વચ્ચે લગભગ ૪.૯૪ લાખ કરોડ રૂપિયાની લોન અપાઇ હતી. આ પહેલ એવા સમયે કરાઇ રહી છે. જ્યારે અર્થવ્યવસ્થામાં લોન વૃધ્ધિ ૬ ટકાની આસપાસ છે. કંપનીઓ પોતાની મૂડીની જરૂરીયાતો પૂરી કરવા માટે મૂડી બજાર તરફ મોઢું ફેરવી રહી છે એટલે લોન લેવાને પ્રોત્સાહન આપવા માટે બેંકોનું ધ્યાન રીટેઇલ વર્ગ પર છે.

સીતારમણે કહ્યું 'મને નથી લાગતું કે લોનની માંગ ઓછી છે એવું તારણ સાચું છે. જો કે કોઇ સંકેતની રાહ જોયા વગર આપણે લોન આપવાની ગતિ વધારવા પગલા લેવા જોઇએ.'

નાણા પ્રધાને કહ્યું કે, બેંકોને નિકાસ સંવર્ધન એજન્સીઓની સાથે સાથે ઉદ્યોગ અને વાણીજ્ય એકમોનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે જેથી નિકાસકારોની લોનની જરૂરીયાતોનું સમયસર સમાધાન થઇ શકે. એ સાથે જ જાહેર ક્ષેત્રની બેંકોને વિકસતા ક્ષેત્રોની મદદ માટે તેમની નાણાકીય જરૂરીયાતોને સમજવાના પણ આદેશ અપાયા છે.

(10:13 am IST)