Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

તાંઝાનિયાના દાર સલામમાં ફ્રેન્ચ દૂતાવાસ પાસે અથડામણમાં ત્રણ પોલીસ અધિકારીઓ મૃત્યુ

અમેરિકી દૂતાવાસે સુરક્ષાના કારણોસર આ વિસ્તારમાં આવતા નાગરિકો માટે ચેતવણી આપી

તાંઝાનિયાના દાર સલામમાં ફ્રેન્ચ દૂતાવાસ પાસે થયેલી અથડામણમાં ત્રણ પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં એક સુરક્ષા ગાર્ડનું પણ મોત થયું છે. પોલીસ મહાનિરીક્ષક સાયમન સિરોએ પત્રકારોને જણાવ્યું હતું કે હથિયારધારી વ્યક્તિ વિદેશી હતો અને પોલીસ માને છે કે તે સોમાલિયાનો હતો. પોલીસે આ અંગે તાત્કાલિક વિગતો આપી નથી. અમેરિકી દૂતાવાસે સુરક્ષાના કારણોસર આ વિસ્તારમાં આવતા નાગરિકો માટે ચેતવણી આપી છે અને હાલ પુરતું આ વિસ્તારમાં નહિ આવવા જણાવ્યું છે. રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસને શહેરના અન્ય ભાગમાં સુરક્ષા અધિકારીઓને સંબોધ્યા બાદ તરત જ અથડામણ થઈ હતી.

રોઇટર્સે એક અહેવાલમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસને કહ્યું હતું કે ફ્રેન્ચ દૂતાવાસ ઉપર હુમલો કરનાર હુમલાખોર પાસે રાઇફલ હતી. અને તે પણ જવાબી ફાયરિંગમાં મૃત્યુ પામ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ અને એક ખાનગી સુરક્ષા કંપનીના સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે.

રાષ્ટ્રપતિએ આ હુમલામાં મૃત્યુ પામેલા તમામ પોલીસકર્મીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પોલીસે હજુ સુધી આ બાબતે વિગતો આપવાની બાકી છે. આ હુમલાને લઈને કેટલાક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં દેખાય છે કે એક હુમલાખોર ફ્રેન્ચ એમ્બેસીના ગેટની બહાર ઉભો છે. આ દરમિયાન ગોળીબારનો અવાજ પણ સાંભળી શકાય છે. જો કે, આ વીડિયોની સત્યતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

(12:00 am IST)